સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૨૧ ઇન્દ્રિય-જ્ઞાનની ખંડખંડ પર્યાય-તે પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં નથી. ત્રિકાળી વસ્તુ તો અખંડ, અભેદ, એક જ્ઞાયકભાવરૂપ છે. તે જ્ઞાયક વસ્તુમાં રાગદ્વેષ નથી, સંસાર નથી, ઉદયભાવ નથી.
તો પછી આ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે કેમ? તો કહે છે-પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી એવા અજ્ઞાનને કારણે જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા....! હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? અને મારું કર્તવ્ય શું? ઇત્યાદિનું ભાન નહિ હોવાથી અજ્ઞાનવશ એને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહીં મિથ્યાત્વ સંબંધીના જે રાગદ્વેષ છે તેને જ રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. સમકિત થયા પછી રાગાદિ થાય છે તેની અહીં ગણત્રી નથી. અહાહા....! ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયાં છે; તેમાં આત્મા ચૈતન્યની દ્રષ્ટિના અભાવરૂપ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે એમ જોયું છે. સમજાય છે કાંઈ....? હવે કહે છે-
વસ્તુત્વમાં મૂકેલી-એકાગ્ર કરેલી દ્રષ્ટિ વડે જોતાં અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં તે ‘રાગદ્વેષ ‘किञ्चित् न्’ કાંઈ જ નથી. જોયું? પર્યાય જ પોતાનું સ્વરૂપ છે એમ દેખનારા પર્યાયદ્રષ્ટિ જીવોને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ વસ્તુ પોતે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર કરેલી અંર્તદ્રષ્ટિવડે જોતાં, કહે છે, રાગદ્વેષ કાંઈ જ નથી. અહાહા....! આત્મા શુદ્ધ એક ચૈતન્યવસ્તુ છે તેને અંતરની એકાગ્રદ્રષ્ટિથી દેખતાં ધર્મ- વીતરાગતા પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. તેને રાગદ્વેષ કાંઈ જ નથી. અહા! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ -એવી ચીજ પોતે આત્મા છે, પણ અરે! એને એની ખબર નથી! શું થાય? પોતે જિનસ્વરૂપ અંદર ભગવાન છે એના ભાન વિના અજ્ઞાનથી તેને રાગદ્વેષ નિરંતર ઉપજ્યા જ કરે છે. જો પોતાના પૂરણ જ્ઞાનાનંદમય ભગવાનસ્વરૂપની દ્રષ્ટિ કરે તો રાગદ્વેષ કાંઈ જ નથી, કેમકે રાગદ્વેષ કાંઈ દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી; દ્રવ્યદ્રષ્ટિમાં રાગદ્વેષ દેખાતા નથી. માટે આચાર્યદેવ પ્રેરણા કરી કહે છે કે-
‘ततः सम्यग्द्रष्टिः तत्त्वद्रष्टया तौ स्फुटं क्षपयतु’ માટે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ તત્ત્વદ્રષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, ‘येन पूर्ण–अचल–अर्चिः सहजं ज्ञान– ज्योतिः ज्वलति’ કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
અહા! અનાદિ અજ્ઞાન વડે એણે ચૈતન્યનું જીવન હણી નાખ્યું છે. તેને આચાર્યદેવ કહે છે-હે ભાઈ! તારી ચીજ અંદર સર્વજ્ઞસ્વભાવથી પૂરણ ભરી પડી છે. તેમાં જ દ્રષ્ટિ સ્થાપિત કરી તત્ત્વદ્રષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કરો. સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતાં રાગદ્વેષ ઉપજતા નથી; ઉપજતા નથી માટે તેનો ક્ષય કરો એમ કહ્યું છે. સમજાણું કાંઈ....?