Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3441 of 4199

 

૪૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

દુનિયાદારીમાં ડહાપણ દેખાડે પણ એ તો નરી મૂર્ખતા છે ભાઈ! પોતાની ચિત્- ચમત્કાર વસ્તુને ભૂલીને નિરંતર રાગ-દ્વેષ કર્યા કરે એ તો મહા મૂર્ખાઈ છે, મૂઢતા છે. પોતે જ્ઞાનરસનો પિંડ આખું ચૈતન્યદળ અંદર છે તેની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે ડહાપણ એટલે સમ્યગ્જ્ઞાન છે. શ્રાવક અને મુનિપણાની દશા પહેલાં આવું સમ્યગ્દર્શન એને હોય છે. અરે! લોકો તો બહારમાં (-ક્રિયાકાંડમાં) શ્રાવક અને સાધુપણું માની બેઠા છે; પણ એમાં તો ધૂળેય (શ્રાવક ને સાધુપણું) નથી, સાંભળને. જુઓ, આચાર્યદેવ કહે છે-તત્ત્વદ્રષ્ટિ વડે શીઘ્ર આ રાગદ્વેષનો ક્ષય કરો, કે જેથી પૂર્ણ ને અચળ જેનો પ્રકાશ છે એવી સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.

કોઈ વળી કહે છે-આ સંસ્કૃત ને વ્યાકરણ વગેરે જાણે નહિ ને સોનગઢમાં એકલી આત્મા-આત્માની વાત માંડી છે.

અરે, સાંભળ તો ખરો પ્રભુ! તિર્યંચ અને નારકીના જીવને પણ આવું સમ્યગ્દર્શન થતું હોય છે. પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેમાં દ્રષ્ટિ એકાગ્ર કરે એનું નામ સમ્યગ્દર્શન છે. હવે એમાં વ્યાકરણાદિનું વિશેષ જ્ઞાન હોય તો તેથી શું છે? ભેદવિજ્ઞાન એ સમકિત થવામાં મૂળ વસ્તુ છે, અને તે તિર્યંચાદિને પણ થતું હોય છે.

અરે ભાઈ! ભેદવિજ્ઞાન વિના સાતમી નરકના ભવમાં પણ તું અનંતવાર ગયો; તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ત્યાં રહ્યો. દુઃખનો તો પાર નહિ એવાં પારાવાર દુઃખ તેં સહન કર્યાં. કરોડો વીંછીના કરડના વેદનથી અનંતગુણી વેદના ત્યાં અજ્ઞાનને લીધે તને થઈ. અહા! આવા તીવ્ર દુઃખની એકેક ક્ષણ કરીને એ તેત્રીસ સાગરોપમનો કાળ તેં કેમ વ્યતીત કર્યો? ભાઈ! વિચાર કર. માંડ મનુષ્યપણું મળ્‌યું તેમાં જો દ્રવ્યદ્રષ્ટિ ન કરી તો તારું આ બધું (ક્રિયાકાંડ આદિ) ધૂળ-ધાણી ને વા-પાણી થઈ જશે, અને મરીને પરંપરા ક્યાંય ઢોરમાં ને નરકમાં ચાલ્યો જઈશ. ભાઈ! તત્ત્વદ્રષ્ટિ વિના વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ સર્વ ક્રિયા ફોગટ છે, ચારગતિમાં રખડવા માટે જ છે. માટે હે ભાઈ! પરમાનંદમય તારું તત્ત્વ છે, તેના ઉપર દ્રષ્ટિ સ્થાપીને તત્ત્વદ્રષ્ટિ વડે પુણ્ય-પાપનો નાશ કર. પુણ્યથી મને લાભ છે એમ જવા દે, તેના તરફની તારી દ્રષ્ટિ મિથ્યાભાવ છે.

શુભભાવ-પુણ્યભાવ સમ્યગ્દ્રષ્ટિને હોય છે, પણ દ્રષ્ટિના વિષયમાં ને વિષયની (શુદ્ધ અંતઃતત્ત્વની) દ્રષ્ટિમાં તે નથી. માટે કહ્યું કે-તત્ત્વદ્રષ્ટિ વડે તેનો ક્ષય કર. અસ્થિરતાનો રાગ પણ સ્વરૂપની એકાગ્રતા દ્વારા ક્ષય પામે છે. તેથી કહ્યું કે- તત્ત્વદ્રષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કર, કે જેથી, જેમ સોળે કલાએ ચંદ્ર ખીલે છે તેમ, તને પૂર્ણ અને અચળ દેદીપ્યમાન સહજ જ્ઞાનજ્યોતિ ખીલી જશે અર્થાત્ કેવળજ્ઞાન અને મોક્ષ