Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 345 of 4199

 

૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨

તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે-હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે. હું આ રાગ, શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્ય છું અને એ મારા સ્વરૂપે છે; આ સામાન્ય કહ્યું. હવે ત્રણ કાળ જોઈએ. (વર્તમાન) મારું આ રાજ્ય, મારું શરીર, મારી વાણી, મારો રાગ ઇત્યાદિ મારાં આ પરદ્રવ્ય છે અને એનો હું છું-એ વર્તમાન. (ભૂતકાળ) મારું આ પહેલાં હતું. હું પહેલાં આનો હતો. એ રાગ પૂર્વે મારો હતો જે વડે આ મનુષ્યપણું મળ્‌યું. લોકો કહે છે ને કે પૂર્વે રાગ (પુણ્ય) હતો તો આ મનુષ્યપણું મળ્‌યું અને ભગવાનની વાણી સાંભળવા મળી. એમ પૂર્વના રાગને પોતાના માન્યા-એ ભૂતકાળ. (ભવિષ્ય) મારું આ ભવિષ્યમાં થશે અને હું આનો ભવિષ્યમાં થઈશ. આ જે હું પુણ્ય બાંધું છું એનાથી ભવિષ્યમાં મનુષ્યપણું મળશે, જિનવાણી સાંભળવા મળશે, એ બધું મને મળશે. અરે પ્રભુ! તું તો જ્ઞાયકભાવ છે ને! તને શું મળ્‌યું અને શું મળશે? ભાઈ, એ તારી ચીજમાં કયાં છે? આ મારું ભવિષ્યમાં થશે, હું એનો થઈશ, ઇત્યાદિ આવા જૂઠા વિકલ્પથી તે અપ્રતિબુદ્ધ-મૂઢ- અજ્ઞાની-મિથ્યાદ્રષ્ટિ છે એમ ઓળખાય છે.

જુઓ, પહેલાં દ્રષ્ટાંત આપે છે કે લાકડાને અને અગ્નિને મળેલાં દેખીને લાકડું- ઇંધન અને અગ્નિનો સ્વભાવ ભિન્ન હોવા છતાં બેને જે એક માને છે-એટલે કે ઇંધન તે અગ્નિ છે અને અગ્નિ છે તે ઇંધન છે એમ જે માને છે તે લૌકિકમાં મૂર્ખ કહેવાય છે, કેમ કે અગ્નિનો સ્વભાવ જે પ્રકાશ અને ઉષ્ણતા તે લાકડાના સ્વભાવથી ભિન્ન છે. તેમ જે કોઈ આત્મા આ રાગ, શરીર, મન, વાણી, ઘર, દીકરા, દીકરી, ઇત્યાદિ હું છું અને એ મારાં છે-એવો પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ કરે છે તે અપ્રતિબુદ્ધ-અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે.

પરદ્રવ્યમાં સચેત, અચેત અને મિશ્ર એમ ત્રણ પ્રકાર લીધા છે. સંસારી ગૃહસ્થને સ્ત્રી, કુટુંબ-પરિવાર, દીકરા, દીકરી ઇત્યાદિ સચેત, શરીર તથા લક્ષ્મી આદિ અચેત અને દીકરો અને એનાં ઉપકરણો તથા સ્ત્રી અને તેનાં કપડાં, દાગીના આદિ બન્ને સાથે ભેગાં તે મિશ્ર. એ ત્રણે જે મારાં કહે-માને તે મૂઢ છે. તેમ સાધુને જે શિષ્ય તે સચેત, ઉપકરણ તે અચેત અને ઉપકરણ સહિત શિષ્ય તે મિશ્ર. બીજી રીતે કહીએ તો પુણ્ય-પાપના વિકલ્પો તે સચેત, પુદ્ગલાદિ પરદ્રવ્ય તે અચેત, અને ગુણસ્થાન-માર્ગણાસ્થાને પરિણમેલો માને તે મિશ્ર. આ સચેત, અચેત અને મિશ્ર-એમ ત્રણ પ્રકારના પરદ્રવ્યમાં આ હું છું અને એ મારા સ્વરૂપે છે એમ માને એ મૂઢ-મિથ્યાદ્રષ્ટિ છે. એના જ્ઞાનમાં સાચાપણું આવ્યું જ નથી.

પ્રશ્નઃ–ચૌદ માર્ગણામાંથી પોતાને શોધવો જોઈએ ને?

ઉત્તરઃ–કયાં શોધવો? એ તો પર્યાયદ્રષ્ટિએ પર્યાયપણે કેવો છે એની વાત છે.