Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3466 of 4199

 

સમયસાર ગાથા-૩૭૨ઃ ૧પ

સ્વસહાય જોયાં છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. અહા! દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે, તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે, સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યથી નહિ. ભાઈ! આ મહાસિદ્ધાંત આચાર્યદેવે આમાં સિદ્ધ કર્યો છે, અહો! આ સરસ અલૌકિક ગાથા છે; પૂર્વનાં ભાગ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા તો મહાપુરુષાર્થ જોઈએ. અહા! પરનો-રાગનો હું અકર્તા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દ્રષ્ટિ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ આ ગાથાનું તાત્પર્ય છે.

સવંત ૧૯૭૧ ની સાલમાં લાઠીમાં સૌ પ્રથમ આ વાત મૂકી હતી કે-જડકર્મથી વિકાર થાય એ વાત ત્રણકાળમાં સત્ય નથી; વિકાર થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થતો પોતાનો જ અપરાધ છે, પરનું-કર્મનું તેમાં કાંઈ (કારણ) નથી.

ત્યારે એક શેઠ દલીલ બન્યા - મહારાજ! વિકાર થાય તેમાં પ૧ ટકા જીવના અને ૪૯ ટકા કર્મના રાખો. કર્મનું સંપ્રદાયમાં સાંભળેલું બહુ ને!

તેમને કહ્યું કે - એમ બિલકુલ નહિ; દરેક દ્રવ્યની સમયે સમયે થતી પર્યાયમાં સોએ સો ટકા પોતાનું જ કારણ છે, એક દોકડો પણ એમાં પરનો-નિમિત્તનો કારણપણે નથી. દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો સ્વકાળ છે, અને સ્વકાળે તે સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે. પર્યાયની જન્મક્ષણની વાત પ્રવચનસાર ગાથા-૧૦૨ માં આવી છે.

માટીમાં ઘડાની પર્યાય ઉત્પન્ન થવાની જે જન્મક્ષણ છે તે કાળે માટીના સ્વભાવથી ઘડો ઉત્પન્ન થાય છે, કુંભાર ઘડાનો ઉત્પાદક નથી, કુંભારથી ઘડો થતો નથી. આ મકાનનો ઉત્પાદક કડિયો નથી. પદાર્થે-પદાર્થ ભિન્ન છે ભાઈ! દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે.

દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ અનંત ગુણ-સ્વભાવનો પિંડ; ક્ષેત્ર એટલે એનો પ્રદેશ-પહોળાઈ; કાળ એટલે વર્તમાન અવસ્થા; ભાવ એટલે ત્રિકાળી શક્તિ. આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, અને પરના દ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવમાં નથી. આવું વસ્તુસ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ; પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ! પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, અને પરના કાર્ય માટે તદ્ન પાંગળો છે, અકિંચિત્કર છે. સમજાણું કાંઈ....?