૨૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ અનાદિની છે, પહેલાં અશુદ્ધતા ન હતી અને વર્તમાનમાં નવી થઈ એમ નથી. એ અશુદ્ધતા પર્યાયમાં આવી ક્યાંથી? તો કહે છે-કર્મ એનું કારણ નથી પણ ‘અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા’ એ ન્યાયે પોતે પોતાને ભૂલીને પર્યાયમાં વિકાર પોતે સ્વતંત્ર કર્તા થઈને કરે છે. અન્યદ્રવ્ય તો એનું નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર એટલે શું? નિમિત્તમાત્ર એટલે જીવના પરિણમન કાળે પરિણમનને અનુકૂળ બીજી ચીજ છે બસ, પણ એ બીજી ચીજથી-નિમિત્તથી ત્યાં જીવને વિકાર થયો છે એમ નથી. પોતાને ભૂલીને પોતાની પર્યાયમાં પોતે વિકાર કરે છે ત્યાં અન્યદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવી શકતું નથી. અહાહા...! અનેરું દ્રવ્યકર્મ આદિ જીવને વિકારી પર્યાય ઉપજાવતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ! અહા! બહુ ટૂંકા શબ્દોમાં આચાર્યદેવે સિદ્ધાંતની ગજબ વાત કરી છે.
એક દ્રવ્યને બીજું દ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. માટે કહે છે- ‘જેઓ એમ માને છે -એવો એકાંત કરે છે-કે “પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે,” તેઓ નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાદ્રષ્ટિ છે.’
અહા! જેઓ પરદ્રવ્ય જ મને વિકાર કરાવે છે એવો એકાન્ત કરે છે તેઓ, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેઓ નયવિભાગને સમજ્યા નથી. પર્યાયમાં વિકાર પોતાથી થાય છે તે નિશ્ચય અને કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ તે વ્યવહાર-એમ નયવિભાગને સમજ્યા નથી તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-
‘એ રાગાદિક જીવના સત્ત્વમાં ઉપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે.’
અહા! ગૃહસ્થપણે રહીને પંડિત શ્રી જયચંદજીએ કેવી સ્પષ્ટતા કરી છે? કહે છે- રાગાદિક ભાવ જીવની પર્યાયના સત્ત્વમાં ઉપજે છે, પરમાં ઉપજે છે એમ નહિ. આત્માના દ્રવ્ય-ગુણમાં વિકાર નથી, પણ પર્યાયમાં વિકાર છે. આકાશના ફૂલની જેમ વિકાર પર્યાયમાં છે જ નહિ એમ વાત નથી તથા તે પરમાં થાય છે એમ પણ નથી. વેદાંતી માને છે કે ‘જગત મિથ્યા’ -એવી આ વાત નથી. મલિનતા પર્યાયમાં છે, એ કાંઈ ભ્રમ નથી. પર્યાયમાં વિકાર પોતાથી ઉપજે છે, ને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ભાઈ! નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ નિમિત્તના લક્ષે પર્યાયમાં વિકાર ઉપજે છે. સમજાણું કાંઈ?
દ્રવ્ય-ગુણ જેમ ત્રિકાળી સત્ છે તેમ પર્યાય દ્રવ્યનું વર્તમાન સત્ છે. તે પર્યાયના સત્ત્વમાં રાગાદિક ઉપજે છે, અને કર્મ-બીજી ચીજ તો નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર એટલે માત્ર હાજરીરૂપ, એનાથી (વિકાર) થાય એમ નહિ. હવે આવો