નિર્ણય કરવાની આ વાણીઆઓને ક્યાં ફુરસદ છે? પણ બાપુ! જીવન જાય છે હોં. (એમ કે આનો નિર્ણય ન કર્યો તો જીવન એળે જશે). અહા! જેને સત્યાર્થ નિર્ણય થયો છે એવો જ્ઞાની એમ જાણે છે કે આ રાગ છે તે મારી પર્યાયનું સત્ત્વ છે, અન્યદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. લ્યો, આવી વાત!
ભગવાન કેવળીને પૂર્ણ સુખ છે, મિથ્યાદ્રષ્ટિને પૂર્ણ દુઃખ છે, એકલું દુઃખ છે, ને સાધકને કાંઈક સુખ ને કાંઈક દુઃખ છે. જેટલી સ્વરૂપના આશ્રયે શુદ્ધતા-નિર્મળતા પ્રગટી તેટલું તેને આનંદનું વેદન છે અને જેટલો પર્યાયમાં રાગ છે તેટલું દુઃખનું વેદન છે. લ્યો, આમ યથાર્થ માનવું તે સમ્યગ્જ્ઞાન છે.
‘માટે આચાર્ય મહારાજ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઉપજવું તે પોતાનો જ અપરાધ છે.’
જુઓ, જ્યારે દ્રષ્ટિ સાથેના જ્ઞાનની વાત ચાલતી હોય ત્યારે રાગ અને દુઃખનો સ્વામી આત્મા નથી, એ તો એનો જાણનાર-દેખનાર છે એમ કહેવાય. શ્રદ્ધાની અપેક્ષાએ રાગને હેય કહેવાય, ને ચારિત્રની અપેક્ષા રાગનું વેદન છે તે દુઃખનું વેદન છે અને તે પર્યાયનું સત્ત્વ છે. આમ સમ્યગ્જ્ઞાની બરાબર જાણે છે. માટે આચાર્યદેવ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્યદ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષ ઉપજે છે તે પોતાનો જ અપરાધ છે. અન્યદ્રવ્ય તો રાગદ્વેષ ઉપજાવતું નથી તો પછી અન્યદ્રવ્ય પર કોપ કરવાનું શું પ્રયોજન છે?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इह’ આ આત્મામાં ‘यत राग–द्वेष–दोष–प्रसूतिः’ જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે ‘तत्र परेषां कतरत् अपि दूषणं नास्ति’ ત્યાં પરદ્રવ્યનો કાંઈપણ દોષ નથી, ‘तत्र स्वयम् अपराधी अयम् अबोधः सर्पति’ ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે; - ‘विदिता भवतु’ એ પ્રમાણે વિદિત થાઓ, અને ‘अबोधः अस्तं यातु’ અજ્ઞાન અસ્ત થઈ જાઓ; ‘बोधः अस्मि’ હું તો જ્ઞાન છું.
અહીં પર્યાયની વાત છે. આત્માની પર્યાયમાં રાગદ્વેષરૂપ દોષની પ્રસૂતિ થાય છે તે, કહે છે, પર્યાયનો પોતાનો અપરાધ છે; તેમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી.
તો સમકિતી જ્ઞાનીને રાગ થાય છે તે કર્મની બળજોરી છે એમ શાસ્ત્રમાં આવે છે ને?