નથી. રાગદ્વેષાદિ ભાવોને અજ્ઞાન કહ્યા, જડ કહ્યા, અજીવ કહ્યા કેમકે તે ભાવોમાં જ્ઞાનસ્વરૂપનો અભાવ છે, તેમાં ચેતનનો કોઈ અંશ નથી. તે રાગદ્વેષની ઉત્પત્તિ, કહે છે, અજ્ઞાનથી થાય છે. અજ્ઞાનથી થતા તે જીવના જ પરિણામ છે. માટે તે અજ્ઞાનનો નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો. અહાહા...! આનંદનો નાથ પ્રભુ હું શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગાદિ દોષો ઉપજાવનારા માનીને તેના પર કોપ ન કરો. લ્યો, આવો ઉપદેશ છે.
હવે આ જ અર્થ દ્રઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ -
‘ये तु राग–जन्मनि परद्रव्यम् एव निमित्ततां कलयन्ति’ જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી,) ‘ते शुद्ध–बोध–विधुर–अन्ध–बुद्धयः’ તેઓ જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા) – ‘मोहवाहिनीं न हि उत्तरन्ति’ મોહનદીને ઊતરી શકતા નથી.
અહા! પર્યાયમાં જે અસંખ્યાત પ્રકારે રાગ થાય તેમાં જેઓ પરદ્રવ્યનું જ કારણપણું માને છે તેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનથી રહિત અંધ છે, અને તેઓ મોહનદીને પાર ઉતરી શકતા નથી. અહીં રાગ શબ્દે રાગ અને દ્વેષ બન્ને લેવા. રાગ અર્થાત્ માયા અને લોભ અને દ્વેષ અર્થાત્ ક્રોધ અને માન -એમ રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ ભાવની પર્યાયમાં ઉત્પત્તિ થાય એમાં પરદ્રવ્યનું જ જેઓ નિમિત્તપણું- કારણપણું માને છે તેઓ અજ્ઞાની છે, દીર્ઘસંસારી છે. રાગ આત્માનો સ્વભાવ નથી માટે પરના કારણે જીવને રાગ થાય છે એમ માને તે શુદ્ધજ્ઞાનથી રહિત અંધ છે અને તે સંસાર પાર કરી શકતો નથી. રાગ પરપદાર્થના લક્ષે થાય છે એ ખરું, પણ પર પદાર્થ કાંઈ રાગનું સત્યાર્થ કારણ નથી. એ તો પર્યાય પરદ્રવ્યનું લક્ષ કરે છે તેથી ત્યાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ...!
આત્મજ્ઞાની સંત-મુનિવરને ત્રણ કષાયનો અભાવ છે, એક સંજ્વલન કષાય બાકી છે. અહા! તે રાગ કર્મથી થાય છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે. ભાઈ! અસંખ્ય પ્રકારે જે શુભાશુભ ભાવ થાય તેને કર્મ કરે છે એમ માને તે અજ્ઞાની છે અને તે મોહનદીને પાર કરી શકતો નથી અર્થાત્ સંસારમાં જ ચિરકાળ રખડી મરે છે. દર્શનમોહનીય કર્મના નિમિત્તથી મિથ્યાત્વ થાય, ચારિત્રમોહનીયના ઉદય નિમિત્તે જીવને