Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3482 of 4199

 

સમયસાર ગાથા-૩૭૨ઃ ૩૧

એક છે. તેમાં પર્યાય ગૌણ છે. પણ પર્યાયથી જોતાં પર્યાયમાં રાગાદિ છે તે પોતાના જ અપરાધથી છે એમ કહે છે. ધ્રુવ તો શુદ્ધ છે, પણ પોતાના જ અપરાધથી તે રાગદ્વેષરૂપ પરિણમે છે; એવું નથી કે કર્મનો ઉદય તેને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. ભાઈ તારા ઊંધા પુરુષાર્થથી જ તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. મને કર્મ વિકાર કરાવે છે એમ પરદ્રવ્યનો વાંક ન કાઢ, પરદ્રવ્ય પર કોપ ન કર. વિકાર થવામાં જેઓ પરદ્રવ્યનો-કર્મનો જ વાંક કાઢે છે તેઓ અજ્ઞાનીઓ છે ને તેઓ મોહનદીને પાર ઉતરી શકતા નથી, તેઓ મોહની સેનાને જીતી શકતા નથી, પોતે હારી જાય છે. તેમને રાગદ્વેષ મટતા નથી, કેમ મટતા નથી? તો કહે છે-

‘કારણ કે રાગદ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે-એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે.’

અહાહા...! પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ પોતે તેને (સમ્યક્ પુરુષાર્થ વડે) ટાળી શકે, પણ જો કર્મને લઈને વિકારી ભાવ થતા હોય તો પોતે તેને કેવી રીતે ટાળી શકે? પરના-કર્મના કરાવ્યા તે થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, તેમાં આત્માના હાથની વાત તો કાંઈ રહી નહિ. પણ એમ છે નહિ. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે-એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ધર્મીને પણ રાગદ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે. કર્મથી નહિ -એમ યથાર્થ માનવું; સર્વથા કર્મ જ રાગદ્વેષ કરાવે છે એમ ન માનવું. અહાહા...! આ રાગદ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મ તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર (ઉપસ્થિતિમાત્ર) છે એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. અહાહા....! (રાગનો) કરનારો હું અને મટાડનારો પણ હું છું. જે જોડે તે તોડે. શું કીધું? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૪૬૨ થી ૪૬૮ * દિનાંક ૧પ-૧૦-૭૭ થી ૨૧-૧૦-૭૭]