નહિ, વસ્ત્રસહિત તો મુનિપણું જ હોઈ શકે નહિ. વસ્ત્રસહિત ચોથું, પાંચમું ગુણસ્થાન હોઈ શકે, મુનિપણું નહિ. મુનિદશા તો નગ્ન દિગંબર દશા હોય છે, અંદરમાં ત્રણ કષાયના અભાવરૂપ રાગથી નગ્ન અને બહારમાં વસ્ત્રથી નગ્ન. અહો! મુનિદશા કોઈ અચિન્ત્ય અલૌકિક ચીજ છે. તથાપિ મુનિદશામાં જે શુભરાગ આવે છે તે દુઃખરૂપ છે, જાણે આગની ભટ્ઠી. ત્યાં જ (છહઢાલામાં જ) કહ્યું છે કે-
રાગ અશુભ હો કે શુભ, તે દુઃખરૂપ છે, અગ્નિની ભટ્ઠી છે; તે આત્માની શાન્તિને બાળી મૂકે છે. માટે શુભરાગથી ધર્મ થાય એ અસંભવ છે. શુભરાગથી ધર્મ થાય એમ માને તો મિથ્યાદ્રષ્ટિ અને ધર્મી-જ્ઞાની પુરુષને સાધકદશામાં રાગ હોતો જ નથી એમ માને તોય મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેણે વ્યવહારનયને માન્યો નથી. ધર્મી જીવને આગમ અનુસાર યથાસંભવ રાગ-વ્યવહાર અવશ્ય હોય છેે.
અહા! મુનિદશા કોને કહીએ બાપુ! અત્યારે તો સાધુ માટે ચોકા બનાવે, ગૃહસ્થો રસોડાં લઈને સાથે ફરે અને સાધુ માટે રસોઈ બનાવે, પણ એ માર્ગ નથી ભાઈ! વીતરાગના માર્ગમાં દોષયુક્ત (ઉદ્દેેેેશિક) આહાર કહ્યો નથી. દોષયુક્ત આહાર લેનાર અને દેનાર બન્ને મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! સંતોએ તો બે નય દ્વારા ધર્મનું સ્વરૂપ બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. અહાહા...! અંતરંગમાં જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણતિ પ્રગટ થાય તે ધર્મ તે નિશ્ચય, અને એવા ધર્મી પુરુષને પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી બહારમાં જે વ્યવહારના-રાગના વિકલ્પ આવે તેને તે જાણે તે વ્યવહાર. ભાઈ! જ્ઞાનીને બહારમાં રાગ-વ્યવહાર છે ખરો, પણ તે જાણવાલાયક છે, આદરવાલાયક નથી, ધર્મી તેને હેયપણે જાણે જ છે.
અહાહા...! હું જ્ઞાયક છું એવો જેને અંતરમાં અનુભવ થયો છે એવો જ્ઞાની દૂરના પદાર્થને, પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના સ્વભાવથી, તે પદાર્થને અડયા વિના જાણે જ છે. અહાહા...! તે પોતાના સ્વરૂપમાં રહીને સ્વને જાણે છે તેમ દૂરના કે નજીકના પર પદાર્થને પણ જાણે છે એવો જ્ઞાનનો સ્વપર-પ્રકાશક સ્વભાવ છે.
બીજી રીતે કહીએ તો ગાથા ૧૭-૧૮માં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો એમાં આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂરણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હોઈ શકે નહિ. એ પર્યાય સ્વને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે, છતાં અજ્ઞાનીની દ્રષ્ટિ એક ઉપર (જ્ઞાયકભાવ ઉપર) જતી નથી. હું એકને (જ્ઞાયકને) જાણું છું એમ