૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ અખંડાનંદ પ્રભુ અંદર નિત્ય બિરાજમાન છે, અને તેને દ્રષ્ટિમાં લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...!
પ્રભુ! સાંભળ તો ખરો કે આ શું કહેવાય છે! કેવળજ્ઞાનની પર્યાય શક્તિમાંથી પ્રગટી તો શક્તિમાં કાંઈ ઓછપ થઈ હશે એમ કોઈને તર્ક ઉઠે તો કહે છે-ના, શક્તિ તો એવી ને એવી પરિપૂર્ણ ત્રિકાળ અંદર ભરી પડી છે. અહા! આવી અલૌકિક વાતો છે. ‘આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે’ -એમ જે કહ્યું છે એમાંથી આ બધી વાત નીકળી છે.
‘આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.’
આકાશનો અનંત અનંત જોજનમાં વિસ્તાર છે; તેના પ્રદેશોનો ક્યાંય અંત નથી. અહા! આવા અસમીપ પદાર્થને પણ જ્ઞાન પોતાના સ્વરૂપથી જ જાણે છે. જ્ઞાનનો સ્વરૂપથી જ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે, અને પોતાના સ્વ-પરપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી તે સ્વને પ્રકાશે છે તે જ કાળે દૂરદૂરના પદાર્થને પણ તેને અડયા વિના જ જાણે છે; વળી તેમ કાળભેદ કર્યા વિના એક સમયમાં ત્રણકાળને તે જાણે છે. આવું અલૌકિક તેનું સામર્થ્ય છે. ભાઈ આ તો અંદર જાગીને જુએ તો સમજાય એવું છે.
જાગીને જોઉં તો જગત દીસે નહિ-એમ આવે છે ને! ભાઈ! જગત છે જ નહિ એમ કેટલાક કહે છે એમ આ વાત નથી. જગત નથી એમ વાત નથી; જગત છે, છ દ્રવ્યમય લોક છે, પણ તેને જાણનારી પોતાની પર્યાયને જોતાં એમાં જગત નથી એમ વાત છે. છ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન પોતામાં છે. પણ છ દ્રવ્ય પોતામાં નથી એમ વાત છે. ભાઈ! આ તો કેવળીના પેટની વાતો સંતો પૂરી કહી શકે નહિ, કેવળી પૂરી જાણે.
જુઓ, એકલું અસમીપને જાણે એમ લેવું નથી, પોતાને જાણતાં પરને અસમીપને તેમજ સમીપને-જાણે છે એમ વાત લેવી છે. જ્ઞાનની પર્યાય એકલા પરને જ જાણે એ તો મિથ્યાજ્ઞાન છે. આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે, તેથી એકલા પરને જાણે અને સ્વને ભૂલી જાય એ તો મિથ્યાજ્ઞાન છે.
અહા! વીતરાગી સંતોની શી બલિહારી છે! કેવળીના કેડાયતીઓએ કેવળજ્ઞાનને ખડું કરી દીધું છે. ભાઈ! આત્મા એકલા પરને જ જાણે એમ વાત નથી, પણ સ્વને જાણતાં, પર દૂર હોવા છતાં પરને જાણે એવો એનો સ્વભાવ છે. દૂર અને નજીક એવો કોઈ ભેદ નથી. દૂરને જાણતાં વાર લાગે, અને સમીપનો તત્કાલ જાણે એમ ભેદ નથી. એક સમયમાં અનંત અનંત દૂરવર્તી (ક્ષેત્રથી કે કાળથી) પદાર્થને, સ્વને જાણતાં જાણી લે છે. અહાહા...! આવી વાત! ભાઈ! અંદરથી પોતાનો મહિમા ભાસ્યા વિના