બહારનો મહિમા છૂટે નહિ. ભાઈ! બહારની ચીજ છે, પણ તે વ્યવહારે જાણવાલાયક છે, તે આદરણીય નથી, ઉપાદેય નથી, ઉપાદેય ને આદરણીય તો એક ત્રિકાળી ભગવાન આત્મા જ છે.
સ્વને જાણતાં બહારના દૂરના કે નિકટના પદાર્થોને કેવળજ્ઞાન એક સમયમાં જ એકસાથે જાણે છે. સ્વને પહેલાં ને પરને પછી જાણે એમ જાણવામાં કાળભેદ નથી. તે ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય અનંતા સિદ્ધો દૂર છે એને પણ જાણે અને સમીપમાં સમોસરણમાં વિરાજમાન સર્વજ્ઞદેવને પણ જાણે. સ્વને જાણતાં પરને જાણે એવું જ તેનું સ્વરૂપ છે. અહી ‘બાહ્ય પદાર્થોની અસમીપતામાં...’ એમ અસમીપ પદાર્થોની પહેલાં વાત કેમ કરી? કેમકે લોકોને એમ છે કે આકાશાદિ અસમીપને જાણતાં જ્ઞાનને વાર લાગતી હશે; તો તેનું નિરસન કરતાં કહે છે કે પદાર્થ દૂર હો કે સમીપ હો, જ્ઞાનને જાણવામાં કાંઈ ભેદ નથી. જ્ઞાન તો સર્વને એક સાથે પહોંચી વળે છે. અહા! સ્વપરપ્રકાશક જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટી તેના સ્વભાવના સામર્થ્યની શી વાત! એને કોઈ હદ નથી. સમજાણું કાંઈ...!
અહો! સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત દિગંબર સંતો અહીં કહે છે. કહે છે- જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા અસમીપ કે સમીપ બાહ્યપદાર્થોને પોતાના સ્વરૂપથી જ જાણે છે, તે તે પદાર્થોથી જાણે છે એમ નહિ. ભાઈ! આ તો વીતરાગનો મારગ બાપા! જરા શાંતિથી ને ધીરજથી સમજવા જેવો છે. આત્મા અહીં છે ને આકાશ અનંત અનંત દૂર વિસ્તર્યું છે; તો તે આકાશને જાણે છે તે પોતાના સ્વરૂપથી જ જાણે છે. પોતાના સ્વરૂપમાં રહીને, પરમાં પેઠા વિના, પરને અડયા વિના જ, જ્ઞાન પોતાથી જ આકાશાદિને જાણે છે. પદાર્થ નજીક છે માટે જાણે છે કે દૂર છે માટે જાણે છે એમ છે જ નહિ. એને સ્વરૂપથી જ જાણપણું છે, પદાર્થથી નહિ. લોકાલોક છે માટે કેવળજ્ઞાન એને જાણે છે એમ છે નહિ. જ્ઞાનથી પર્યાય શબ્દાદિ પદાર્થોને તે શબ્દાદિ પદાર્થ સામે છે માટે જાણે છે એમ નથી, એ તો સ્વરૂપથી જ જગતના જ્ઞેયોને જાણે છે. આવી વાત છે.
હવે કહે છે - ‘(એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.’
શું કીધું? ‘મનોહર કે અમનોહર શબ્દાદિ પદાર્થો’ -અર્થાત્ નિંદાના શબ્દ હો કે પ્રશંસાના, કુરૂપ હો કે સુંદર રૂપ હો, દુર્ગંધ હો કે સુગંધ હો, કડવો રસ હો કે મધુર, કર્કશ સ્પર્શ હો કે સુંવાળો-તે બધા વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.’ સ્ત્રીના શરીરના સુંદર