પ૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ રૂપથી આને રાગ થાય કે શરીરના કુબડાપણાથી આને દ્વેષ થાય એમ છે નહિ એમ કહે છે. બહારના શબ્દાદિ પદાર્થો વડે જીવને વિકાર થાય એવો, જીવનો સ્વભાવ નથી, અને તે બાહ્ય પદાર્થો આત્માને વિકાર ઉત્પન્ન કરે એવો તે પદાર્થોનો સ્વભાવ નથી.
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે તે પરને જાણતાં પરને લઈને તેને જાણપણું-જ્ઞાન થયું છે એમ તો નહિ, પણ પરને લઈને તેને રાગાદિ વિકાર થાય છે એમ પણ નથી. અહા! શબ્દાદિ પર પદાર્થો નિંદા-પ્રશંસા આદિરૂપે સ્વભાવથી જ વિચિત્રપણે પરિણમે છે, તે શબ્દાદિને આત્મા કરે છે એમ નહિ તથા તે શબ્દાદિ પદાર્થોને કારણે આત્માને રાગાદિ વિક્રિયા થાય છે એમ પણ નહિ. શબ્દાદિ પદાર્થો તો સહજ જ પોતાના ભાવથી પરિણમે છે. તેમાં આત્માને શું છે? કાંઈ નથી, ન તો આત્મા શબ્દાદિને કરે છે, ન તો શબ્દાદિ આત્માને કાંઈ રાગાદિ વિકાર કરે છે. ભગવાન કેવળીના ગુણ જ્ઞાનમાં જણાય, પણ તે કાંઈ જીવને રાગ ઉત્પન્ન કરે છે એમ નથી. આ કેવળી છે એમ આને જ્ઞાન થાય તે પણ કેવળીને લઈને છે એમ નહિ, અને આને કેવળી પ્રતિ રાગ થાય તે પણ કેવળીને લઈને છે એમ નહિ. ભાઈ! આ તો પ્રત્યેક વસ્તુના સ્વતંત્ર પરિણમનનો ઢંઢેરો છે. કોઈનું પરિણમન કોઈ પરથી છે એમ કેવળીના મારગમાં છે જ નહિ. પરથી વિકાર પણ નહિ અને પરથી ગુણની દશા પણ નહિ.
કોઈએ ગાળ દીધી અને આને દ્વેષ થયો તો તે ગાળને લઈને થયો એમ છે નહિ. ગાળમાં (શબ્દમાં) એવી તાકાત નથી કે તને એ દ્વેષ ઉત્પન્ન કરે, અને એ ગાળથી તને દ્વેષ થાય એવું તારું સ્વરૂપ પણ નથી. તેમ કોઈ પ્રશંસા-અભિનંદન કરે તો તે પ્રશંસાના શબ્દથી તને રાગ ઉપજે એમ પણ નથી. કોઈ એમ માને એ તો એની જૂઠી માન્યતા છે. ભાઈ! પરમાણુ વિચિત્ર પરિણામરૂપે સ્વભાવથી જ પરિણમે એમાં તારે શું? રાગદ્વેષાદિ ભાવો પર વડે ઉત્પન્ન કરી શકાતા નથી અને પર જીવને રાગદ્વેષ કરતા નથી. અહો! પરમ ભેદજ્ઞાનનું કારણ એવું જ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ...! ભાઈ....! આ મૂળ વાત છે.
સમ્યગ્દ્રષ્ટિ રાગને પોતાનો માનતો નથી. તેને રાગાદિ તો થાય છે અને તે તેને કર્મનું કાર્ય સમજે છે તે કેવી રીતે છે?
સમાધાનઃ- ભાઈ! એમાં અપેક્ષા બીજી છે. જ્ઞાનીને-સમ્યગ્દ્રષ્ટિને રાગની રુચિ નથી. રાગ પોતાનું કર્તવ્ય છે એમ તેને નથી. છતાં કર્મના (ચારિત્રમોહના) ઉદયવશ તેને કમજોરીને લીધે રાગાદિ થાય છે તો તે સ્વભાવજનિત કાર્ય નહિ હોવાથી તેને કર્મનું કાર્ય કહેવામાં આવે છે. કર્મ કરે છે એમ નહિ, પણ કર્મના પ્રસંગમાં રાગ થાય છે તેથી તેને વિવક્ષાથી કર્મનું કાર્ય કહે છે. ભાઈ! માત્ર શબ્દને પકડે અને ભાવ સમજે નહિ તો આ સમજાય એવું નથી. ભાઈ! જે વિવક્ષાથી વાત હોય તે