વિવક્ષા યથાર્થ સમજવી જોઈએ. બાકી કર્મની તાકાત નથી કે તે જીવને રાગાદિ ઉત્પન્ન કરે. જુઓ, આ શું કહે છે? સ્વભાવથી જ વિચિત્ર પરિણતિરૂપે પરિણમતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરી શક્તા નથી. અહો! આચાર્યદેવે થોડા શબ્દોમાં ઘણું બધું ભરી દીધું છે. વર્તમાન જ્ઞાનની હીન (અલ્પજ્ઞ) દશા છે તે કાંઈ જ્ઞાનાવરણીય કર્મને લઈને છે એમ નથી.
ભાઈ! પર વડે પરની દશા થાય એ માન્યતા જ જૂઠી છે, ભ્રમ છે. ભગવાનનું બિંબ જોયું માટે મને શુભરાગ થયો એમ કોઈ માને તે ખોટું છે. તેમ કોઈ પાપીને જોતાં દ્વેષ થાય તે પાપીને કારણે થયો છે એમ માને તે પણ ખોટું છે. વિચિત્ર પરિણતિરૂપે સામેનો પદાર્થ પરિણમ્યો તે તેની દશા છે, એમાં આત્માને શું છે? કાંઈ નથી. હવે કહે છે-
‘આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) -એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગ-દ્વેષ થાય છે તે અજ્ઞાન છે.’
ભાઈ! પરદ્રવ્યમાં તાકાત નથી કે તે તને રાગ ઉત્પન્ન કરાવે અને તારું પણ એવું સ્વરૂપ નથી કે પર વડે તારામાં રાગ ઉત્પન્ન થાય. આત્મા પર્યાયે પર્યાયે સ્વતંત્ર-સ્વાધીન છે; વિકાર પરને લઈને નહિ, પર વડે નહિ; અને ગુણની દશા પણ પર વડે નહિ.
તો વજ્રવૃષભનારાચ સંહનન હોય તેને કેવળજ્ઞાન થાય છે એમ કહ્યું છે એ કેવી રીતે છે!
ભાઈ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. વજ્રવૃષભનારાચ સંહનન કેવળજ્ઞાન પ્રગટ થવામાં બાહ્ય નિમિત્ત છે, કાંઈ એનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી. સંઘયણ તો જડની અવસ્થા છે; તે જીવને શું કરે? જેમ નિર્મળ રત્નત્રયરૂપ ચારિત્રની દશા મનુષ્યપણામાં પ્રગટ થાય છે, નરક-દેવ-તિર્યંચમાં નહિ; પણ તેથી કાંઈ મનુષ્યદશા છે તેનાથી કાંઈ ચારિત્ર પ્રગટ થાય છે એમ નથી. વાસ્તવમાં આત્માને ચારિત્ર પ્રગટ થવામાં પરની અપેક્ષા જ નથી. ભાઈ! પર તારામાં ચારિત્ર ઉત્પન્ન કરે એવી પરમાં શક્તિ જ નથી. ભગવાને જીવાદિ નવ તત્ત્વ કહ્યાં છે, ત્યાં કાંઈ એક તત્ત્વ કોઈ બીજા તત્ત્વનું કાંઈ કરે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...!
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે ઉદાસીન છે, સંબંધ વગરનો છે. દીવો હોય ને દીવો, તે ઘટપટને, ઘટપટ છે માટે પ્રકાશે છે એમ નથી; અને ઘટપટ દીવાને પ્રકાશરૂપ કરે છે એમ પણ નથી. દીવાનો સ્વભાવ જ સ્વપરને પ્રકાશવાનો છે અને તેથી સહજ જ તે પ્રકાશે છે.