પ૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
હવે આવો મારગ! બિચારાને સમજવાની ફુરસદ ન મળે! આવો મનુષ્ય-ભવ માંડ મળ્યો, એમાં રળવા-કમાવામાં ને બાયડી-છોકરાં પાછળ ને વિષયમાં બધો વખત ચાલ્યો જાય. પરંતુ ભાઈ! અવસર ચાલ્યો જાય છે. આવો મનુષ્યભવ અનંત કાળે મળે, આ તો ભવનો અભાવ કરવાનો કાળ છે. આમાં કાંઈ ન કર્યું ને કર્મ કરે તે ખરું-એમ બેસી રહ્યો તો તારા હાલ ભુંડા છે ભાઈ! ક્યાંય ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ.
જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી સમજતો નથી; ને સુલટા પુરુષાર્થથી પોતાનું સ્વરૂપ તેને સમજાય તેવું છે. કર્મ તને કાંઈ કરે એવી કર્મની શક્તિ નથી, ને કર્મથી તારામાં ભૂલ થાય એવું તારું સ્વરૂપ નથી. કહ્યું ને કે આત્મા દીવાની જેમ પર પ્રત્યે ઉદાસીન છે. જુઓ, આ વસ્તુસ્થિતિ છે. જેમ દીવો તટસ્થ છે તેમ આત્મા પર પ્રત્યે તટસ્થ છે. જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જાય ત્યાં બન્ને કાંઠા તટસ્થ છે, કાંઠાને લઈને પ્રવાહ ચાલે છે એમ નથી, તેમ આત્મા પરને જાણે છે તે તટસ્થ-સંબંધરહિત રહીને જાણે છે. આવો મારગ છે ભાઈ!
અહા! અનંતકાળમાં અનંતવાર એણે અગિયાર અંગ ‘પઢ ડાલા’ , પરંતુ અરે એણે સ્વરૂપમાં અંર્તદ્રષ્ટિ કરી નહિ! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાનનો સાગર પ્રભુ છે તેને સ્પર્શીને જ્ઞાન પ્રગટ થાય છે, પરથી જ્ઞાન થતું નથી. આવી વસ્તુસ્થિતિ છે તોપણ તેને રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
‘શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ);” અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી.’
જુઓ, શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના પરિણામરૂપ હોવાથી જડ છે. તેઓ કાંઈ આત્માને કહેતા નથી કે તું અમને જાણ. તેઓ તો પોતપોતાના ભાવથી પરિણમી રહ્યા છે બસ. વળી આત્મા પણ પોતાનું સ્થાન છોડી તેમને ગ્રહવા તેમના પ્રત્યે જતો નથી. અર્થાત્ આત્મા શબ્દાદિરૂપ થઈ તેમને ગ્રહતો- જાણતો નથી. સ્વપરને જાણવું એ તો આત્માનો સહજ સ્વભાવ છે. ભાઈ! પ્રત્યેક પદાર્થનું દ્રવ્ય, એના ગુણ અર્થાત્ શક્તિ અને એની પર્યાય-સર્વ સ્વતંત્ર છે; તેમાં પરનો બિલકુલ અધિકાર નથી. સમ્યગ્દર્શન થયા પછી વિકાર થાય છે તે પરને લઈને થાય છે એમ કોઈ કહે તો એ બરાબર નથી.
જેમ કોઈ મુસાફર એક ગામ છોડી બીજે ગામ જાય ત્યાં તે ગામ તેને કહેતું નથી કે ‘અહીં તું રોકાઈ જા’; તેમ આત્મા શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિને જાણે છે તો તે શબ્દાદિ તેને કહેતા નથી કે ‘તું અમને જાણવા રોકાઈ જા’ . વળી