આત્મા પણ પોતાના સ્થાનથી ખસીને તેમને જાણવા તેમના પ્રત્યે જતો નથી અર્થાત્ શબ્દાદિમાં તન્મય થતો નથી. લ્યો, આવી વસ્તુસ્થિતિ છે. પણ અરે! અંદર પોતે ભગવતસ્વરૂપ ચિદાનંદ પ્રભુ વિરાજે છે તેની સન્મુખ તે થતો નથી અને બહાર શબ્દાદિ પદાર્થોના લક્ષમાં ભરમાઈ ગયો છે!
હવે કહે છે- ‘જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે.’
શબ્દાદિ પદાર્થો દુર હો કે સમીપ હો, આત્મા તેમને પોતાના સ્વરૂપથી જ જાણે છે. ‘સ્વરૂપથી જ જાણે છે’ -એમ કહેવાનો આશય એમ છે કે-જેને નિજ ચૈતન્યસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા પ્રભુનું અંતરમાં ભાન થયું છે તે પર પદાર્થોને જાણવામાં રોકાતો નથી, પોતાને જાણતાં સહજ જ તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ થાય છે. હવે કહે છે-
‘આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ,....’
શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જડના ગુણો છે. તેઓ પોતાના સ્વભાવથી જ અનેક સ્વરૂપે પરિણમે છે. પોતાના સ્વભાવથી જ પરિણમતા તેઓ જીવને જરાય વિકાર કરતા નથી. શું કીધું? પ્રશંસા કે નિંદાપણે પોતે જ પરિણમતા શબ્દો જીવને કિંચિત્ વિકાર-રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. કોઈ પ્રશંસાના શબ્દો કહે તેથી રાગ થઈ આવે એમ જરાય નથી. કોની જેમ? તો કહે છે-સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ.
દીવો પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. તેને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી. દીવાના પ્રકાશમાં કોલસા હોય તો તે શું દીવાને કાળો કરે છે? જરાય નહિ. દીવાના પ્રકાશમાં વીંછી હોય તો તે શું? દીવાના પ્રકાશને ઝેરમય કરે છે? જરાય નહિ. દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ જીવને પર પદાર્થો કિંચિત્માત્ર વિકાર કરતા નથી. દ્રવ્યનો સ્વભાવ પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છે એવું સાંભળીને તેને હરખ અને રાગ થાય તો તે કાંઈ એ શબ્દોને લઈને નથી. પરપદાર્થ જીવને વિકાર કરાવતો નથી; અને પર વડે જીવમાં વિકાર થાય એવું જીવનું સ્વરૂપ નથી.
આવો ઉપદેશ! અજાણ્યાને એમ લાગે કે જીવની દયા પાળવી, ને દાન કરવું- ભૂખ્યાંને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, નાગાંને કપડાં દેવાં અને રોગીને ઔષધ દેવું-એ તો કાંઈ કહેતા નથી ને આવો ઉપદેશ!
હા ભાઈ, આવો ઉપદેશ! સાંભળતો ખરો પ્રભુ! પરની કોણ દયા પાળે અને