Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3507 of 4199

 

પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.”

જુઓ, આમાં બહુ સરસ વાત કરી છે. પર્યાય છે તો પોતાની અવસ્થા, પણ પર્યાય અને ભેદ ઉપર લક્ષ જશે તો સરાગીને વિકલ્પ-રાગ થશે, નિર્વિકલ્પતા નહિ થાય, તેથી અભેદની દ્રષ્ટિ કરાવવા પર્યાય અને ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કહી ત્રિકાળી અભેદ વસ્તુનો આશ્રય કરાવવા તેને નિશ્ચય કહ્યો છે. આવો મારગ! ભાઈ! એક ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય. વીતરાગ થયા પછી કેવળી ભેદ અને અભેદ સઘળું જાણે છે, પણ વીતરાગ થયા બાદ ભેદને જાણતાં રાગ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-આ એક શુદ્ધ જ્ઞાયક આત્મા જ્ઞેયપદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. જેમ દીવો પ્રકાશવાયોગ્ય પદાર્થોને પ્રકાશવા છતાં વિક્રિયા પામતો નથી. દીવો દીવો જ છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો છે તે પરવસ્તુને જાણતાં કાંઈ વિક્રિયા પામતો નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે તેથી રાગદ્વેષ ઉત્પન્ન થઈ જતા નથી, પણ રાગી જીવો તેમાં ઠીક-અઠીકપણું કરે તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હવે કહે છે-

‘ततः इतः’ તો પછી ‘तद्–वस्तुस्थिति–बोध–वन्ध्य–धिषणाः एते अज्ञानिनः’ એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો ‘किम् सहजाम् उदासीनताम् मुञ्चन्ति, रागद्वेषमयी–भवन्ति’ પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે.)

ભાઈ! તારો સ્વભાવ તો જ્ઞાન છે, છતાં તું ‘बोधवन्ध्य’ જ્ઞાનથી વિધુર-ખાલી કેમ થઈ ગયો? તારા સ્વભાવને તું કેમ ભૂલી ગયો? જાણવું-દેખવું બસ એવો સહજ ઉદાસીનતાનો ભાવ તેને છોડીને અરેરે! તું રાગદ્વેષમય કેમ થયો? અજ્ઞાનીઓ પ્રતિ આચાર્યદેવ આમ ખેદ વ્યક્ત કરે છે. આચાર્યદેવને ખેદ થયો છે તે કરુણાનો રાગ છે. પોતે મુનિ છે ને? કેવળી નથી; કિંચિત્ રાગ હજી વિદ્યમાન છે એટલે આવી કરુણા થઈ આવી છે.

સર્વજ્ઞ પરમેશ્વર પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે. એમને ઠીક છે એમ માનતાં રાગ થાય છે. આચાર્ય કહે છે-અરે તને આ રાગ કેમ થાય છે? જાણવારૂપ સહજ ઉદાસીનતાને છોડીને તું રાગી કેમ થાય છે? પરને જાણતાં રાગ થાય એવો કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી, અને પરજ્ઞેયો તને રાગ કરાવે એવો જ્ઞેયોનો સ્વભાવ નથી. છતાં તું પરને ઇષ્ટ- અનિષ્ટ માની રાગદ્વેષમય કેમ થાય છે?

જુઓ, જ્ઞાનીને રાગ થાય છે તે પોતાની અસ્થિરતાને લઈને કમજોરીથી થાય છે.