પરજ્ઞેયોને જાણતાં અજ્ઞાનપણાનો રાગ એને થતો નથી. રાગ થાય છે તે બે પ્રકારથી થાય છે-કાં તો અજ્ઞાનથી થાય છે અથવા તો કમજોરીથી થાય છે; પરને લઈને રાગ થાય છે એમ બિલકુલ નથી. જ્ઞાનીને પોતાની કમજોરીવશ રાગ થાય છે, પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાજનિત રાગ તેને થતો નથી.
પંચાધ્યાયીમાં આવે છે કે-હે જ્ઞાની, તારો તો જ્ઞાન સ્વભાવ છે; બધું જાણ! જાણવામાં ક્યાં રાગદ્વેષ છે. પરમાં ઠીક-અઠીકની કલ્પના કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પંચપરમેષ્ઠી ઠીક છે એવી કલ્પના કરીશ તો તને રાગ થશે, પંચપરમેષ્ઠીને પરજ્ઞેયપણે માત્ર જાણીશ તો રાગ નહિ થાય. લ્યો, આવી વાત છે. હવે બીજા સાથે આમાં ક્યાં મેળ ખાય?
‘જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. જ્ઞેયને જાણવામાત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. જ્ઞેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગી-દ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે’
અહાહા...! આત્મા સદા એક જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે. તેનો સ્વભાવ જ્ઞેયને માત્ર જાણવાનો જ છે. જ્ઞેયને જાણવામાત્રથી કાંઈ વિકાર થતો નથી. પરંતુ જ્ઞેયોને જાણી તેમાં ભલા-બુરાની કલ્પના-ભ્રાન્તિ કરવાથી વિકાર-રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે અજ્ઞાન છે. પરમાં ઠીક-અઠીકપણું માનતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય તે અજ્ઞાન છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ થાય તેની વાત નથી. આ તો પરજ્ઞેયોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની કલ્પના કરી જીવ રાગી-દ્વેષી થાય છે તે અજ્ઞાન છે એમ વાત છે. હવે કહે છે-
‘માટે આચાર્યદેવે શોચ કર્યો છે કે-“વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન-અવસ્થારૂપ કેમ રહેતો નથી?” આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ કર્યા છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઉપજે છે અને તેથી શોચ થાય છે.’
અહા! મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે છતાં આવો કરુણાનો શુભરાગ આવે છે. અહા! સાધુ એટલે પરમેષ્ઠી પદ! ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહૂણં’ એમ ધવલમાં પાઠ છે.