૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ એટલે મારી દુકાન બરાબર ચાલે છે-એમ કહે છે, પણ એ વાત તદ્ન ખોટી છે. પોતાની ચીજ શું છે એ જાણ્યા વગર મિથ્યા અભિમાન સેવે પણ એથી શું? પ્રભુ! તું તો સર્વજ્ઞનેત્ર છે; સૌને જાણે ખરો; પણ એ સર્વમાંથી કોઈ પણ ચીજ પોતાપણે છે એમ નથી.
‘હું આ પરદ્રવ્ય નથી’ એમાં હું છું અને બીજાં દ્રવ્યો, રાગાદિ વગેરે છે એમ (બન્નેનું અસ્તિત્વ) સિદ્ધ કર્યું. પણ એ પરદ્રવ્યો, રાગ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ અને એનું ફળ જે સ્વર્ગાદિ એ મારું સ્વરૂપ નથી. અહાહા! છ ખંડનો સ્વામી ચક્રવર્તી સમક્તિ પામે ત્યારે કહે કે આ (છ ખંડનો વૈભવ) હું નથી. આ તો બધું એની મેળે થાય છે. હું છ ખંડ સાધતો નથી, હું તો અખંડને (નિજ સ્વરૂપને) સાધું છું. છ ખંડનો હું સ્વામી નહિ, હું તો અખંડસ્વરૂપનો સ્વામી છું. ન્યાલભાઈએ દ્રવ્યદ્રષ્ટિપ્રકાશમાં લીધું છે કે-કોઈએ કહ્યું કે ચક્રવર્તી છ ખંડને સાધતા હતા તો કહ્યું કે ભાઈ, એમ નહોતું. એ તો સમક્તિી હતા એટલે અખંડને સાધતા હતા. છ ખંડને નહિ પણ જે જ્ઞાયકસ્વરૂપી અખંડ એક આનંદનો નાથ ભગવાન આત્મા તેને સાધતા હતા. ભાઈ, આ તો વસ્તુ અંદર કોઈ અલૌકિક છે. આ સામાન્ય વાત થઈ.
હવે વર્તમાનઃ-મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી. આ અત્યારે જે રાગાદિ છે તે મારાં નથી, શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઇત્યાદિ મારાં નથી. એ પરદ્રવ્યોનો હું નથી. મારો જ હું છું. સર્વજ્ઞ-સ્વભાવી જે અખંડ ચીજ એ જ હું છું. પરદ્રવ્ય પરદ્રવ્યરૂપ જ છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ આવે તેનાથી એકરૂપ હું નથી, અને એ મારો નથી. ફક્ત તે સંબંધીનું જ્ઞાન તે મારું છે. અહાહા! સંતોએ કરુણા કરી કેવી ટીકા કરી છે! સામાને ગળે ઉતરી જાય એવો ગરભલો (તૈયાર કોળિયો) કરીને મોઢાંમાં આપ્યો છે. ભાઈ, તું વર્તમાનમાં પણ સર્વજ્ઞસ્વભાવી આત્મા જ છે ને, નાથ! એ પરવસ્તુનો તું નથી અને પરવસ્તુ તારી નથી.
હવે ભૂતકાળઃ-આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ. અરે, પહેલાં મારું શરીર સારું હતું પણ હમણાં હમણાં બગડી ગયું છે. કોઈ વળી એમ કહેતો હતો કે આ સ્ત્રી એવી છપ્પરપગી (ખરાબ પગલાંની) મળી કે આવી ત્યારથી બધી લક્ષ્મી ચાલી ગઈ. તો એક જણ વળી એમ કહેતો હતો કે આ બાઈ મારે ઘેર કંકુપગલાંની આવી કે આવી ત્યારથી અઢળક પૈસો થઈ ગયો. આવા ગાંડા છે બધા. આ શરીર, પગલાં, અને પૈસો આત્માનાં કયારે હતાં? આ તો બધું (અજ્ઞાનનું) તોફાન છે. ખબર છે ને બધી, નાટક તો બધું જોયું છે, નાચ્યા નથી પણ નાચનારને જોયા છે. વળી કોઈ કહે-આ નોકર પહેલાં તો વફાદાર હતો, હવે ફરી ગયો છે; આ છોકરાં પહેલાં પહેલાં કહ્યાગરા હતા, પણ હવે કોણ જાણે શું થયું છે કે માનતા જ નથી,