ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૭૧ પરણ્યા પછી બાયડીના થઈ ગયા; ઇત્યાદિ કેટલાક વાતો કરે છે. અરે! સાંભળને બાપુ! અહીં કહે છે કે પહેલાં મારું કોઈ હતું જ નહિ, મારું હતું એક સર્વજ્ઞસ્વરૂપ. તે તો હું છું જ. અને પરદ્રવ્ય પરદ્રવ્ય જ હતું.
હવે ભવિષ્યકાળઃ આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ અને એનો હું ભવિષ્યમાં થઈશ નહિ. એ રાગનો, શરીરનો કે દેશનો હું થઈશ નહિ. કોઈનો દીકરો અને કોઈકનો બાપ હું ભવિષ્યમાં થઈશ નહિ. હું મારો જ ભવિષ્યમાં થઈશ. અસ્તિ- નાસ્તિ કહે છે ને? અને આ પરદ્રવ્યનું પરદ્રવ્ય જ ભવિષ્યમાં થશે.
આવો જે ત્રણેકાળ સંબંધીનો સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે. જુઓ ભાષા. એક જ્ઞાયકભાવ સર્વજ્ઞસ્વભાવી આત્મા એ જ હું છું એવો સત્યાર્થ-ભૂતાર્થ આત્મવિકલ્પ એ જ જ્ઞાની સમક્તિીનું લક્ષણ છે. આ રીતે જ્ઞાની ઓળખાય છે. બાકી આ મારાં ને એ તારાં, મેં આમ કર્યું હતું. અને તેં આમ કર્યું, તમે ઉપકાર ભૂલી ગયા આદિ બધું ગાંડપણ છે, અજ્ઞાન છે.
જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે તે તો અજ્ઞાની છે, અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇંધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે. (આ ભાવાર્થ થયો.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
જગતના જીવોને ઉદ્દેશીને કહ્યું છે કે ‘जगत्’ જગતના જીવો ‘आजन्मलीढं मोहम्’ અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને ‘इदानीम् त्यजतु’ હવે તો છોડો. એટલે કે અનાદિકાળથી ભગવાન આત્માનો આનંદ અને શાંત સ્વભાવ હોવા છતાં તેણે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવને જ વેદ્યા છે. અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધાદિ ભાવોમાં જે મોહપરમાં મારાપણાના ભાવ, પરમાં સાવધાનીના ભાવ જે અધર્મરૂપ છે તે જ એણે વેદ્યા છે. પરંતુ પોતે જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેને વેદ્યો નથી.
આ ખાવું, પીવું અને વેપાર કરવો ઇત્યાદિમાં જે બાહ્ય ક્રિયા થાય છે એ તો એણે કરી નથી. એ કાળે જે રાગ-દ્વેષના ભાવ થાય તે એણે કર્યા અને અનુભવ્યા-વેદ્યા છે. ચોવીસે કલાક આ ધંધાપાણી ઇત્યાદિ બધી પ્રવૃત્તિ દેખાય છે ને-એમાં એ પરનું કાંઈ કરતો નથી, કરી શક્તો નથી. અનાદિકાળથી સ્વરૂપના સ્વાદથી જે વિરુદ્ધભાવ એવા રાગ અને દ્વેષ, શુભ અને અશુભ એમ વિકૃતભાવ એણે કર્યા અને વેદ્યા છે. પરને તો એ વેદી શક્તો નથી અને આત્માને એણે અનુભવ્યો નથી.