Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 353 of 4199

 

૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨

પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો જ્ઞાતા-દ્રષ્ટા છે. એ સ્વરૂપને ભૂલીને આ પુણ્ય-પાપ મારાં, આ શરીર મારું, આ લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ મારાં એવી માન્યતામાં કરેલો મિથ્યાત્વભાવ અને અનુકૂળ-પ્રતિકૂળમાં કરેલા રાગ-દ્વેષ-એનો જ અનાદિથી અનંતકાળ અનુભવ કર્યો છે. મોટો દિગંબર સાધુ થઈને અનંતવાર નવમી ગ્રૈવેયકે ગયો તોપણ ભગવાન! તેં મોહ અને રાગ-દ્વેષને જ વેદ્યા છે. આટલી વાત કરીને કહે છે इदानीम् હવે તો આ મોહને છોડો. સ્વપદાર્થના ધ્યેયને ભૂલીને, પરપદાર્થને ધ્યેય બનાવી જે રાગ-દ્વેષનું અનાદિથી વેદન છે તેને હવે છોડીને ભગવાન આનંદના નાથ પ્રભુ આત્માને વિષય-ધ્યેય બનાવો.

ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ અંદર વિરાજે છે. તેને ભૂલીને અનાદિ સંસારથી એટલે નિગોદથી માંડીને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયના, નારકી, તિર્યંચ, દેવ તેમજ મનુષ્યના જે અનંત ભવ કર્યા તેમાં આ પરદ્રવ્ય મારા એમ પરને પોતાનાં માન્યાં છે. પોતાની ચીજની સંભાળ કરવાને બદલે પરદ્રવ્યની સંભાળ કરવામાં રોકાઈ ગયો છે. એથી હે ભાઈ! તું દુઃખી છે. તો હવે એ પરદ્રવ્ય પ્રત્યેના મોહને છોડ. જે રાગ-દ્વેષ મારા માનીને ગ્રહ્યા હતા, વેદ્યા હતા તેનું લક્ષ છોડીને ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે એનું લક્ષ કર. જુઓ, આ ધર્મની રીત. દયા, દાન, વ્રત કરવાં એ કોઈ ધર્મની રીત નથી. એ તો વિકલ્પ છે. એ તો રાગનું વેદન છે. (અનાદિથી કરી રહ્યો છે) તો હવે વર્તમાનમાં ગુલાંટ ખા એમ કહે છે. તેં જે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપને ધ્યેય બનાવીને એનું વેદન કર્યું છે એમાં ‘તે હું છું’ એમ માનીને વેદન કર્યું છે તો હવે ‘તે હું નહિ, પણ હું તો જ્ઞાતાદ્રષ્ટા ચેતન છું’ એમ અંતરની પર્યાયમાં-ધ્યાનમાં ત્રિકાળીને ધ્યેય બનાવ. આ ધર્મ છે, ભાઈ! આવો કેવો ધર્મ? આટલાં દેરાસર (મંદિર) બંધાવવાં કે આટલા ઉપવાસ કરવા એમ કહો તો ઝટ સમજાઈ જાય. દેરાસર કોણ બંધાવે, ભાઈ? એ વખતે એવો તે સંબંધી રાગ થાય. ઉપવાસ કરવાનો વિકલ્પ પણ રાગ જ છે. અરે! અનાદિથી પોતાને ભૂલીને આવા રાગ કર્યા વિનાનો એક પણ સમય ગયો નથી. તો હવે એ મોહને છોડ. એ છોડીને શું કરવું? તેથી શું થાય? એ વાત હવે કહે છેઃ-

रसिकानाम् रोचनम् રસિક જનોને રુચિકર उद्यत् ज्ञानम् ઉદ્રય થઈ રહેલું જે જ્ઞાન रसयतु તેને આસ્વાદો. આત્માના અતીન્દ્રિય આનંદના જે રસિકજનો છે. એ સમ્યગ્દ્રષ્ટિ ધર્મી રસિકજનોને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. સમ્યગ્દ્રષ્ટિ નિજ શુદ્ધ દ્રવ્યની રુચિ કરીને શક્તિમાં જે આનંદ રસ છે તે પર્યાયમાં પ્રગટ કરીને આત્માના આનંદનો સ્વાદ લે છે. એને પુણ્ય-પાપ ભાવની રુચિ નથી. એને પુણ્ય-પાપ બંધની કે તેના ફળની પણ રુચિ નથી. એને રુચિકર છે એકમાત્ર આત્માના આનંદનો સ્વાદ. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદો.