ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૭૩
અહીં એમ નથી કહ્યું કે પહેલો વ્યવહાર કરજે અને આમ કરજે તેમ કરજે, કેમ કે વ્યવહાર તો રાગ છે, એ તો અનંતવાર કર્યો છે. એની રુચિ તો અનાદિની છે. અહીં તો સીધી વાત કરી છે કે ‘त्यजतु इदानीम्’ હવે તો છોડો. એટલે રાગાદિ વ્યવહારના લક્ષને છોડો અને ત્રિકાળી ભગવાન જે અંદર બિરાજે છે એનું લક્ષ કરો. રસિકજનોને રુચિકર એવો જે ભગવાન આત્મા-એને જ્ઞાન કહો, આનંદ કહો, જ્ઞાયક કહો-એના સ્વાદની રુચિ કરો. પહેલાં જે રાગના વેદનની રુચિ હતી એ તો મિથ્યાદર્શન હતું. તેથી હવે આત્માના આનંદની રુચિ કરો, કેમ કે ભગવાન આનંદઘનસ્વભાવના સ્વાદની રુચિ કરે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ‘रसिकानाम् रोचनं उद्यत् ज्ञानम्’ સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી જ્ઞાનનો જે ઉદ્રય-પ્રગટ દ્રશા એનો સ્વાદ લે છે. એ એને રુચિકર છે. પહેલાં એ રાગ-દ્વેષનો સ્વાદ લેતો હતો તે તો પરને લક્ષ-ધ્યેય બનાવી લેતો હતો. રસિકજનોને ધ્યેય તો ચૈતન્યતત્ત્વ છે. તેથી કહે છે કે એ ચૈતન્યતત્ત્વના લક્ષે પ્રગટ થતું જ્ઞાન જે સ્વભાવરૂપ છે (આનંદ સહિત છે) એનો સ્વાદ લો અને રાગની રુચિ છોડો. ભાઈ! આટલા શબ્દોમાં તો ઘણું ભર્યું છે.
અહાહા! શુભભાવ પણ ધર્મીને જ્ઞાતાના જ્ઞાનનું પર જ્ઞેય છે. એ વડે પુણ્યબંધ થાય એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે અને એનું ફળ જે સ્વર્ગાદિ મળે એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે. એ સ્વજ્ઞેય નહિ, હો. એવી રીતે ધર્મીને પાપના પરિણામ હોય એ જ્ઞાતાનું જ્ઞેય છે, એનાથી પાપબંધ થાય એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે અને એના ફળમાં જે (નરકાદિના) પ્રતિકૂળ સંયોગો મળે એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે. એ બધું શુભ અને અશુભ જ્ઞાતાનું પરજ્ઞેય છે. સવારમાં કહ્યું હતું ને કે વ્રતના પરિણામથી જીવને સ્વર્ગમાં સ્ત્રીઓ મળે, સુખ (વૈભવ) મળે. શુભભાવથી સંયોગ મળે પણ સ્વભાવ ન મળે. એનો અર્થ એ કે ધર્મીને આત્મા રુચ્યો છે, એને શુભભાવથી-વ્રતાદિની રુચિ નથી. જ્ઞાનીને એ શુભભાવ, એનાથી થતું બંધન અને એનું ફળ જે આવે તે બધુંય પરજ્ઞેય તરીકે છે. એ સંયોગી ભાવ અને એ સંયોગો મારા એમ જ્ઞાની માનતો નથી.
શુદ્ધ આત્માના અનુભવી સમ્યગ્દ્રષ્ટિને તો અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. અહાહા! ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય મળે તોપણ તે સમક્તિી હોવાથી તેને જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જાણે છે, પોતાના તરીકે જાણતો નથી. સમયસાર નાટકમાં બનારસીદાસ કહે છેઃ-