શ્રાવકનેય હજુ રાગદ્વેષ છે, આસ્રવ-બંધ છે. દુઃખ છે. અહીં કહે છે-જેને રાગદ્વેષ ગયા અને પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ-વીતરાગમૂર્તિ પ્રભુ આત્માનું જેને ગાઢ સ્પર્શન-વેદન થયું છે અને જેને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણેકાળના કર્મનું મમત્વ ગયું છે તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. અહા! આવું ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! પંચ પરમેષ્ઠીપદમાં જેનું સ્થાન છે, જેમાં પ્રચુર આનંદની દશા અનુભવાય છે અને જેમાં સ્વરૂપરમણતાનું અતિશય તેજ પ્રગટે છે એવું ચારિત્ર લોકમાં ઉત્તમ પદાર્થ છે.
‘તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
જુઓ, ચોથા ને પાંચમા ગુણસ્થાને હજુ કર્મચેતના ને કર્મફળચેતના હોય છે, સ્વામીપણે નહિ, પણ વેદનપણે હોય છે. મુનિને કર્મચેતના ને કર્મફળચેતના નથી, તેને જ્ઞાનચેતના છે. શું કીધું? પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને હરખ-શોકને વેદવું તે કર્મફળચેતના-એ મુનિને નથી. એનાથી જુદી નિજ જ્ઞાનાનંદ સ્વરૂપના પરિણમનરૂપ જ્ઞાનચેતનાનું અનુભવન તેને હોય છે. રાગનું કરવું ને રાગનું વેદવું મુનિને છૂટી ગયું છે, એને તો એકલું આનંદનું વેદન છે. અહાહા...! આવા ચારિત્રવંત મુનિ મોક્ષની તદ્ન નજીક હોય છે.
પણ લોકો કહે છે-તમે (-કાનજીસ્વામી) મુનિને માનતા નથી ને! મુનિને કોણ ન માને ભાઈ! એ તો પરમેશ્વર પદ છે. બાપુ! પણ યથાર્થ મુનિ પણું હોવું જોઈએ ને! કહ્યું ને કે-તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે. અહાહા...! આવી અલૌકિક મુનિદશા હોય છે.
‘અહીં તાત્પર્ય આમ જાણવુંઃ- જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ -પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે.’
તાત્પર્ય એટલે સાર એમ જાણવો કે જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણે અને એનું દ્રઢ શ્રદ્ધાન કરે છે. ત્યાં એને પુણ્ય-પાપના જે ભાવ થાય તે કર્મચેતના છે. શું કીધું? શુભભાવ હો કે અશુભભાવ હો-બન્નેય રાગ છે, વિપરીત ભાવ છે અને તે કર્મચેતના છે. કર્મ