૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહા! મુનિરાજ પોતાના સ્વરૂપમાં અતિ દ્રઢ ગાઢ-પ્રગાઢ રમણતા કરે તે ચારિત્ર છે, અને તે મુનિરાજનો નિજવૈભવ છે. જુઓ આ નિજવૈભવ! હજારો શિષ્ય હોય ને બહુ શાસ્ત્રજ્ઞાન હોય, લાખો માણસો એને પ્રવચનમાં સાંભળતા હોય તે નિજવૈભવ નહિ. એ તો બધી બહારની ચીજ પ્રભુ! આ તો અંતરંગ સ્વસ્વરૂપમાં અતિ ગાઢ લીનતા-રમણતા કરે તે ચારિત્ર અને તે નિજવૈભવ-એમ વાત છે. અહાહા...! આવા ચારિત્રના વૈભવના બળથી જ્ઞાની જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. અહાહા...! ચારિત્રમાં અંદર એકાગ્રતા એવી દ્રઢ વર્તે છે કે એકલો જ્ઞાનચેતનાના સંવેદનમાં તે પડયો છે. અહો! આવી અલૌકિક મુનિદશા છે ભાઈ! અત્યારે તો બધો ફેરફાર થઈ ગયો, બહારમાં દ્રવ્યલિંગનાંય ઠેકાણાં ન મળે. ભાઈ! આ તને માઠું લગાડવાની વાત નથી. આ તો તારા હિતની વાત છે પ્રભુ! અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે એને ઢંઢોળીને એમાં જ લીન-પ્રલીન થઈ પ્રચુર અતીન્દ્રિય આનંદને વેદે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ...!
અહાહા...! જ્ઞાની જ્ઞાનની સંચેતનાને વેદે છે. કેવી છે તે જ્ઞાન-સંચેતના? તો કહે છે-ચમકતી ચૈતન્યજ્યોતિમય છે. અહાહા...! જેની જ્ઞાન-પર્યાયમાં ચૈતન્યનો ચમકતો પ્રકાશ પ્રગટી ગયો છે. ચોથા ગુણસ્થાને ચૈતન્યનો અલ્પ પ્રકાશ છે, પણ ચારિત્રમાં ગાઢ અંતર્લીનતા થતાં ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. અહાહા...! આ તો અંતરદશાને જડ ભાષામાં કેમ કહેવી? ભાષા ઓછી પડે છે ભાઈ! ‘ચમકતી ચૈતન્યજ્યોતિમય છે’ -એમ કહ્યું એમાં સમજાય એટલું સમજો બાપુ!
વળી કેવી છે તે જ્ઞાનચેતના? તો કહે છે-જેણે નિજરસથી સમસ્ત લોકને સિંચ્યો છે. એટલે શું? કે એવી જ્ઞાનની દશા પ્રગટી કે તેમાં લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. નિજરસથી-જ્ઞાનરસથી સમસ્ત લોકને સિંચ્યો છે એટલે જ્ઞાનમાં છ દ્રવ્યમય લોક આખો જાણી લીધો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે થઈને મોક્ષ છે; એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ નથી એમ અહીં કહેવું છે. જ્ઞાનસંચેતનાનું અતિ ઉગ્ર વેદન થતાં જ્ઞાનની પૂરણ દશા પ્રગટ થઈ જાય છે, અને એ પૂરણ જ્ઞાન પ્રગટતાં તેમાં લોકાલોક જણાઈ જાય છે. આવી વાત છે.
‘જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે.’
સમકિતીને ત્રણ કષાય વિદ્યમાન છે. તેને હજી રાગ-દ્વેષ છે. પાંચમા ગુણસ્થાનવર્તી