ત્રણેય વાત કળશમાં કરી છે. ભાઈ! સમસ્ત કર્મથી રહિત એવી દશાનું નામ ચારિત્ર છે બાપા! ચોથે ગૃહસ્થને અને પાંચમે શ્રાવકને તો આર્ત્ત-રૌદ્રધ્યાન પણ હોય છે. પરને કારણે નહિ, પણ એવી અસ્થિરતા તે દશામાં હોય છે.
જુઓ, અષ્ટાપદ પર્વત પરથી ભગવાન શ્રી ઋષભદેવ મોક્ષ પધાર્યા તેની ખબર પડતાં ભરતની આંખમાં આંસુ છલકાયાં. અહા! ભરત સમકિતી છે, જ્ઞાની છે, છતાં ભગવાનના વિરહમાં તે રડે છે. એમ કે-અરે! ભરતક્ષેત્રનો ચૈતન્યસૂર્ય અસ્ત થઈ ગયો, ભગવાનના વિરહ પડયા’ -એમ ભરતજી રડે છે. ત્યારે ઇન્દ્ર તેમને સમજાવે છે કે-અરે! ભરતજી, આ શું? તમે તો આ ભવે મોક્ષ જશો, તેમને આ રુદન ન સુહાય. ભરત કહે છે-ખબર છે, પણ અસ્થિરતાવશ રાગ આવી ગયો છે, અમે તો એના જ્ઞાતા છીએ, કર્તા નથી. જુઓ, જ્ઞાનીને પણ કમજોર ભૂમિકામાં રાગ થઈ જતો હોય છે. અહીં મુનિરાજને તો રાગરહિત ચૈતન્યતેજ પ્રગટયું છે, વારંવાર આત્મસ્પર્શ કરે છે અને સમસ્ત કર્મથી રહિત થયા છે એની વાત છે.
જેઓ ‘तदात्व–उदधात् भिन्नाः’ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. જુઓ, બારમી ગાથામાં ‘तदात्वे’ શબ્દ આવ્યો છે. परिज्ञायमानः तदात्वे प्रयोजनवान्’ (વ્યવહારનય) તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. મતલબ કે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન-દર્શન નિર્મળ થયાં છે પણ હજુ પર્યાયમાં (ચારિત્રની) અશુદ્ધતા છે તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે. તેને સમયે સમયે શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે- તે તે કાળે જાણેલ પ્રયોજનવાન છે એમ ત્યાં વાત છે. અહીં ‘तदात्व’ એટલે વર્તમાન જે ઉદય આવે છે તેનાથી એ ભિન્ન થયો છે એમ વાત છે. ભાઈ! આ તો અધ્યાત્મનું શાસ્ત્ર! બહુ ગંભીર.
અહાહા...! મુનિરાજને આનંદના પ્રચુર સ્વસંવેદનજનિત પ્રચુર નિજવૈભવ પ્રગટ થયો છે. ભૂતકાળના કર્મથી તે પાછા વળી ગયા છે તે પ્રતિક્રમણ છે, ભવિષ્યના કર્મથી પાછો વળ્યો છે તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન કર્મોદયથી ભિન્ન થયા છે તે સંવર અને આલોચના છે. અહાહા...! વર્તમાન કર્મ ઉદયમાં આવે તેનાથી એ ભિન્ન પડી ગયો છે. પ્રભુ! તારી મોટપનું શું કહેવું? એનો કાંઈ પાર નથી; અને હીણપ તો માત્ર જાણેલી પ્રયોજનવાન છે, આદરેલી નહિ. એમ કે હીણપ જાણે તો હીણપને છોડી આગળ વધે છે. સમજાણું કાંઈ...?
આમ સમસ્ત કર્માથી ભિન્ન છે એવા તેઓ (-જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- ‘चञ्चत्–चिद्–अर्चिर्मयी’ કે જે જ્ઞાનચેતના ચમકતી ચૈતન્યજ્યોતિમય છે અને स्वरस–अभिषिक्त–भुवनाम्’ જેણે નિજરસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સીંચ્યો છે.