Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3511 of 4199

 

૬૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વ્યાખ્યા છે-ચોથામાં સ્વાનુભવ થવા છતાં રાગદ્વેષ હતા, સંયમ ન હતો, અહીં તો ચૈતન્યતેજ રાગદ્વેષ રહિત થઈ ગયું છે એવા ચારિત્રની વાત છે. અહાહા.... ! શ્લોકમાં કેટલી ગંભીરતા છે! ભાઈ! સાતમે ગુણસ્થાને ચૈતન્યનું તેજ ઘણું વધી ગયું છે તેને મુનિ કહીએ. મુનિપણું કોને કહેવું ભગવાન! અહાહા...! ધન્ય એ મુનિદશા! ધન્ય એ અવતાર! સમયસાર ગાથા પમાં શ્રી કુંદકુંદ આચાર્ય સ્વયં કહે છે-આત્માની શક્તિનું પ્રચુર સ્વ- સંવેદન તે અમારો નિજવૈભવ છે. અહાહા...! સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ મુનિરાજને અંદર અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન એ મુનિનું ભાવલિંગ છે. હવે આવી વાત બીજે ક્યાં છે? સંપ્રદાયના આગ્રહવાળાને કઠણ પડે પણ મારગ તો આવો જ છે ભાઈ!

અહાહા...! અંદર અનંત ગુણથી ભરેલો નિર્મળાનંદ ચૈતન્યબિંબ પ્રભુ ભગવાન આત્મા છે. આવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગદ્વેષથી રહિત હોય છે. બહારમાં દેહની દશા વસ્ત્રરહિત હોય છે અને અંદરમાં ચૈતન્યનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત હોય છે. પુનમે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયો પૂરણ ઉછળે તેમ કેવળજ્ઞાનમાં પૂરણ આનંદની ભરતીથી આત્મા ઉછળે છે. અહીં હજુ ચારિત્રની વાત છે. તો કહે છે-ચૈતન્યનું તેજ રાગદ્વેષ રહિત થઈને ઘણું જ ખીલી ગયું છે અને જેમાં પ્રચુર આનંદનું વેદન થાય છે તેનું નામ ચારિત્ર છે. લ્યો, આવી વાત છે. વળી વિશેષ કહે છે-

‘જેઓ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શે છે’ -મુનિરાજને છઠ્ઠે ગુણસ્થાને જરીક વિકલ્પ આવે પણ તરત જ સાતમે ચઢી અંદર આનંદને સ્પર્શે છે. અહાહા...! મુનિરાજ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શનારા એટલે અનુભવનારા છે, વેદનારા છે. ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ કોઈવાર જામે, બે દિવસે, પંદર દિવસે મહિને, બે મહિને જામે, પણ દિગંબર ભાવલિંગી સંત મુનિવરને તો વારંવાર શુદ્ધ-ઉપયોગ આવી જાય છે. છઠ્ઠે ગુણસ્થાને પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ તો એને બોજો લાગે છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને વ્રતનો વિકલ્પ ઉઠે તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે, અનુભવે છે. છઠ્ઠેથી સાતમે વારંવાર મુનિરાજ સ્પર્શે છે તેથી અહીં ‘નિત્યં સ્વભાવસ્પૃશઃ’ એમ કહ્યું છે.

અહાહા...! આ સમયસાર તો કેવળજ્ઞાનનો વિરહ ભુલાવે એવી અદ્ભુત અલૌકિક ચીજ છે. કહે છે- ‘જુઓ ભૂતકાળનાં તેમ જ ભવિષ્યકાળનાં સમસ્ત કર્મથી રહિત છે’ - જુઓ આ ચારિત્રદશા! ભૂતકાળના રાગથી રહિત તે પ્રતિક્રમણ છે અને ભવિષ્યકાળના રાગથી રહિત તે પ્રત્યાખ્યાન છે. અને વર્તમાન રાગથી રહિત તે આલોચના છે.