Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3516 of 4199

 

સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ઃ ૬પ

છે, તેનાથી પહેલો શુદ્ધ ચેતનામાત્ર ભગવાન આત્માને ભિન્ન જાણવો. નવ તત્ત્વ કહ્યાં છે ને? તેમાં પુણ્ય, પાપ બે તત્ત્વો છે અને એનાથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન કહ્યું છે. શુભ-અશુભ ભાવ થાય અને તેનું વેદન હરખ-શોક થાય તે કાંઈ પરમાર્થે આત્મા નથી, ચૈતન્યતત્ત્વ નથી.

ભાઈ! આત્માનું હિત કરવું હોય તો સૌ પ્રથમ કર્મચેતના અને કર્મ ફળચેતનાથી જ્ઞાયકને ભિન્ન જાણવો. અહાહા...! પોતાની સહજ જ્ઞાનચેતના જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. પુણ્ય-પાપ અને તેના ફળમાં એકાગ્ર થવાનું છોડીને શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ જ્ઞાનચેતના છે. શુભ-અશુભનું વેદન છે તે તો ધ્રુવસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેની ઉપર ઉપર છે, અંદર તે પ્રવેશ કરતું નથી. અહાહા...! આત્મા જે એક જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. આત્મા કહો કે જ્ઞાનસ્વરૂપ કહો-એક જ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે.

અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ પ્રથમ આગમપ્રમાણથી જાણવું. તીર્થંકરદેવની દિવ્યધ્વનિ છૂટી તેમાંથી સંતોએ શાસ્ત્ર રચ્યાં છે તે આગમ છે.

“મુખ ઓંકારધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ,
રચિ આગમ ઉપદેશ, ભવિક સંશય નિવારૈ”

અહા! ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આચાર્યોએ આગમની રચના કરી છે. ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. તે આગમ-પ્રમાણથી, અહીં કહે છે, પુણ્ય-પાપ અને તેના ફળથી આત્મરૂપ જ્ઞાનચેતના ભિન્ન છે એમ પ્રથમ નક્કી કરવું. પંચમહાવ્રતના જે પરિણામ છે તે રાગ છે, આસ્રવ છે, આત્માના ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, અને એનાથી પોતાની નિર્મળ જ્ઞાનચેતનાપરિણતિ ભિન્ન છે એમ નક્કી કરવું એમ કહે છે. સમજાણું કાંઈ...? હવે આમાં ઓલા વ્યવહારના પક્ષવાળા રાડો પાડે, પણ ભાઈ! મહાવ્રતના પરિણામ છે તે ઉદયભાવ છે, જગપંથ છે, ચૈતન્યથી વિરુદ્ધ જાતિના છે. લ્યો, આમ આગમ-પ્રમાણથી જાણીને પ્રથમ નિર્ણય કરવો એમ કહે છે.

અહાહા....! ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ છે. અનાકુળ આનંદના રસથી આપૂર્ણ અર્થાત્ છલોછલ ભરેલું તત્ત્વ છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે જ્ઞાનચેતના છે, તે અનાકુળ આનંદરૂપ છે. અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણથી જાણીને પહેલાં નક્કી કરવું અને તેનું દ્રઢ શ્રદ્ધાન કરવું. આવી વાત! સમજાણું કાંઈ...?