Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3517 of 4199

 

૬૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

વળી કહે છે-રાગથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ અનુમાન-પ્રમાણથી જાણીને નક્કી કરવું. એટલે શું? કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, અને જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ. મતલબ કે દયા, દાન, આદિનો રાગ થાય તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આ પ્રમાણે અનુમાન-પ્રમાણથી જાણીને રાગથી ભિન્ન જ્ઞાનચેતનાનું સ્વરૂપ નક્કી કરવું.

જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવાની વિધિ છે. અહા! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે એમાં ઉપયોગની એકાગ્રતા થવી તે જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનું સ્વરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે એમ, કહે છે, પહેલાં આગમથી અને અનુમાનથી નક્કી કરવું.

હવે ત્રીજી વાતઃ આગમ-પ્રમાણ અને અનુમાન-પ્રમાણથી જાણીને-નક્કી કરીને; હવે કહે છે, સ્વસંવેદનપ્રમાણથી જાણે છે. જ્ઞાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદનપ્રમાણ છે. ચેતના ત્રણ પ્રકારે કહી-કર્મચેતના, કર્મફળચેતના અને જ્ઞાનચેતના. તેમાં કર્મચેતના ને કર્મફળચેતના વિભાવ દશા છે, વિકારી દશા છે, અને જ્ઞાનચેતના નિર્વિકાર નિર્મળ દશા છે. એ ત્રણેયને આગમ, અનુમાન અને સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણીને શ્રદ્ધાન કરવું.

હવે લોકોને બિચારાઓને આવો નિર્ણય કરવાની ક્યાં ફુરસદ છે? આખો દિ’ બાયડી-છોકરાં અને ધંધા-પાણીમાં-પ્રપંચમાં-પાપના ભાવમાં ચાલ્યો જાય. તેને સત્યાર્થ વસ્તુ સાંભળવાનોય જોગ ન હોય તે ક્યારે નિર્ણય કરે? પણ ભાઈ! એમાં તને મોટું નુકશાન છે બાપા! જીવતર ધૂળધાણી થઈ જશે અને તું ક્યાંય વહ્યો જઈશ ભાઈ! માટે કહે છે કે-આત્માનું હિત કરવું હોય તો રાગથી ભિન્ન તારી જ્ઞાનચેતનાનું સ્વરૂપ પ્રથમ આગમપ્રમાણથી અને અનુમાનપ્રમાણથી નક્કી કર અને પછી સ્વસંવેદન પ્રત્યક્ષથી સ્વસ્વરૂપના પ્રત્યક્ષ વેદનથી યથાર્થ નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કર.

આ સ્વસંવેદન પ્રમાણમાં આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન છે. સ્વસંવેદન અર્થાત્ પોતાનું ‘સં’ નામ પ્રત્યક્ષ વેદન તે સ્વસંવેદન છે અને તે વડે આત્માને જાણીને તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું. કે ‘આ આત્મા’ -એમ પ્રત્યક્ષ વેદનમાં લઈને તેનું શ્રદ્ધાન કરવું સ્વસંવેદનમાં જાણીને તેનું (આત્માનું) દ્રઢ શ્રદ્ધાન કરવું એમ કહે છે. (સ્વસંવેદનમાં જાણે તો શ્રદ્ધાન કરે એમ વાત છે).

અરે ભાઈ! ક્ષણે ક્ષણે તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. દેહ છૂટવાની ક્ષણ તો નિયત છે, તેમાં શું ફરે એમ છે? પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ સ્વસંવેદનપ્રમાણથી જાણી તેનું શ્રદ્ધાન કરવું એ આ મનુષ્યભવમાં કરવાયોગ્ય કાર્ય છે. ભાઈ! તું હમણાં નહિ કરે તો ક્યારે કરીશ? (એમ કે પછી અવસર નહિ મળે.)