ભવિષ્યનાં શુભાશુભ કર્મ મને ન જોઈએ, મારે તો એક સ્વરૂપમાં જ ઠરવું છે-એમ પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં લીનતા-રમણતા કરે તેને પ્રત્યાખ્યાન કહે છે.
વર્તમાનમાં ઉદયમાં આવેલું જે કર્મ તેનું જે મમત્વ છોડે છે તે આત્મા આલોચના છે. નિજ જ્ઞાનાનંદ-પરમાનંદમય સ્વરૂપને જાણીને તેમાં જ લીન થઈ જાય તે સંવર છે, આલોચના છે. હવે આમાં લોકોને લાગે કે આ તો બધી નિશ્ચયની વાતો છે. હા, નિશ્ચયની વાતો છે; પણ નિશ્ચય એટલે સત્યાર્થ છે. આવું નિશ્ચય ચારિત્ર હોય ત્યાં પ્રતિક્રમણાદિનો જે શુભભાવ આવે છે તેને વ્યવહાર પ્રતિક્રમણાદિ કહીએ, પણ એ છે તો પુણ્યબંધનનું જ કારણ, એ કાંઈ મોક્ષમાર્ગ નથી, અને આ જે નિશ્ચય પ્રતિક્રમણાદિ છે તે સંવર છે, નિર્જરાનું કારણ છે અને તે મોક્ષનો મારગ છે.
આ સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. સ્વસ્વરૂપમાં ઠરી જાય ત્યારે તેને પુણ્ય-પાપના ભાવ છૂટી જાય તેને ચારિત્ર કહીએ. ભૂતકાળના પુણ્ય-પાપથી છૂટવું, ભવિષ્યના પુણ્ય-પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવથી છૂટવું અને નિજાનંદ સ્વરૂપમાં લીન-સ્થિર થવું તેને ભગવાન ચારિત્ર કહે છે.
સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. આવા ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે. આવું ચારિત્ર મુનિરાજોને નિરંતર હોય છે. પંચમહાવ્રતના પરિણામ તે ચારિત્ર-એમ નહિ; સ્વરૂપની રમણતા તે ચારિત્ર, અને તે મુનિરાજને નિરંતર હોય છે. આવી વાત! સમજાણું કાંઈ...?