૭૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહાહા...! હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન છું એમ નિજ ચૈતન્યસત્તાનો જે અંદર સ્વામી થયો તે ભલે બહાર રાજપાટમાં પડયો હોય, છતાં જ્ઞાનચેતનાનો તેને નિરંતર સદ્ભાવ છે. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી તેને દયા, દાન, પૂજા આદિના ને રાજકાજના ભાવ આવે તે કર્મચેતના છે. છતાં જ્ઞાનચેતનાને મુખ્ય ગણી, કર્મચેતનાને ગૌણ કરી તે નથી એમ કહેવામાં આવ્યું છે. સમકિતીને (પુણ્ય-પાપનું) પરિણમન છે, પણ એનું સ્વામિત્વ નથી. બહારમાં ક્યાંય કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ કરતો નથી. આવી વાત!
અરે ભાઈ! ચારગતિ ને ચોરાસીના અવતારમાં રઝળી-રઝળીને તેં પારાવાર દુઃખ ભોગવ્યાં છે. તારા દુઃખની શું વાત કરીએ? એ દુઃખના જોનારાઓને આંખમાં આંસુ આવી જાય એવા નરક-નિગોદનાં અકથ્ય દુઃખ તેં મિથ્યા-શ્રદ્ધાનના ફળમાં ભોગવ્યાં છે. એ મિથ્યાશ્રદ્ધાન છૂટીને સમ્યક્ શ્રદ્ધાન થાય એ મહા અલૌકિક ચીજ છે. અને પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને તો ઓર કોઈ આનંદની અલૌકિક દશા પ્રગટ થાય છે. જ્ઞાતા-દ્રષ્ટાપણાની સહજ અદ્ભુત ઉદાસીન અવસ્થા તેને પ્રગટ થઈ હોય છે. અહો! એ કેવી અંતરદશા!
હવે કહે છે- ‘અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે.
-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છેઃ- જુઓ, ભૂતકાળના પુણ્ય-પાપના ભાવનું મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે. શું કીધું? દયા, દાન આદિ જે શુભ કે અશુભ વિકલ્પ છે તેનાથી પાછો ફરીને અંદર સ્વરૂપમાં ઠરી જાય તે આત્મા પ્રતિક્રમણ છે. હું તો એક જ્ઞાતા-દ્રષ્ટા આતમરામ-એમ અંતર એકાગ્ર થઈ સ્વરૂપમાં લીન થઈ રમણતા કરે તેને પ્રતિક્રમણ કહીએ અહો! આવું એક સમયનું પ્રતિક્રમણ જન્મ-મરણનો અંત કરનારું છે. અનંત અનંત ભૂતકાળ વીતી ગયો તેમાં જે પુણ્ય-પાપના ભાવ થયા તેનાં પ્રત્યેનું મમત્વ છોડે કે-તે ભાવ હું નહિ, હું તો જ્ઞાનાનંદ સહજાનંદસ્વરૂપ પ્રભુ છું-એમ જાણી તેમાં જ અંતર્લીન રમે તેને ભગવાન જિનેન્દ્રદેવે પ્રતિક્રમણ કહ્યું છે.
ભવિષ્યનાં કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એનું નામ પ્રત્યાખ્યાન એટલે પચખાણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ તથા હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભભાવ કરવા નહિ એવી પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં રમવું તેનું નામ પ્રત્યાખ્યાન છે.