ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. આત્મા પૂર્ણાનંદઘન ચૈતન્યઘન પ્રભુ છે. તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ થયો અને તેને સ્પર્શીને જે જ્ઞાન (સ્વ-સંવેદનજ્ઞાન) થયું તેને અહીં જ્ઞાનચેતના કહે છે. ધર્મની પહેલી દશા થતાં નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્ઞાનચેતના હોય છે.
અજ્ઞાની જીવ અનંતકાળથી આજ સુધી કોઈ દિ’ સમ્યગ્દર્શન પામ્યો નથી; એનો ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાં જોડાણો નથી. એનો વર્તમાન ઉપયોગ પુણ્ય-પાપ અને તેના ફળમાં જોડાયેલો હોય છે. તેથી અજ્ઞાનીને અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતના વર્તે છે. હવે જ્યારે જે જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે જ્ઞાન અને આનંદનું દળ એવા આત્માનો એને સ્પર્શ થાય છે. તે અંદર જાગ્રત થઈને નિજ જ્ઞાનસ્વભાવને ચેતે છે. તે કાળે તેનો ઉપયોગ શુદ્ધ નિર્વિકલ્પ હોય છે. તેના ઉપયોગમાં ધ્યાન ત્રિકાળી દ્રવ્યનું હોય છે. તે કાળે તેને ઉપયોગાત્મક જ્ઞાનચેતનારૂપ પરિણમન હોય છે. બુદ્ધિપૂર્વકનો રાગ તેને છૂટી જાય છે. અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન પોતે છે તેના વેદનમાં ઉપયોગ અંતર્લીન થયો હોય છે અને ત્યારે અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ છે અને આ નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં નિજ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. હવે કહે છે-
જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે. એટલે શું? કે સમ્યગ્દ્રષ્ટિને લબ્ધરૂપ જ્ઞાનચેતના સદાય રહે છે. જ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપથી ખસી જતાં સમકિતીને વિકલ્પ આવે છે છતાં તે જીવને સમ્યગ્દર્શન- જ્ઞાન થયું છે, જ્ઞાનચેતના પ્રગટી છે તે તેને કાયમ રહે છે. ચાહે તો વેપાર ધંધામાં ઉભો હોય કે અન્ય વિકલ્પમાં હોય, હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એવું ભાન એને નિરંતર રહે જ છે; તે કદીય વિકલ્પ સાથે તદ્રૂપ થતો નથી. અહો! ભગવાન કેવળી અને તેમના કેડાયતી સંતો આવો અદ્ભુત વારસો મૂકી ગયા છે, પણ ભાઈ તું નજર કરે તો ને!
સમકિતીને કર્મચેતના અને કર્મફળચેતના હોતી નથી. એટલે શું? તેને પુણ્ય-પાપના વિકલ્પ અને હરખ-શોકનું વેદન હોતું જ નથી એમ નહિ, પણ તેને કર્મના અને કર્મફળના સ્વામિત્વપણે પરિણમન નથી. તેને પુણ્ય-પાપના વિકલ્પો અને હરખશોકના વેદનનું સ્વામિત્વ નથી, નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે જ તે પરિણમતો હોય છે. તે તો પુણ્ય-પાપ આદિ ભાવોનો માત્ર જ્ઞાતા જ રહે છે. પુણ્ય-પાપ આદિ ભાવોનું પરિણમન છે, પણ તેને એનું સ્વામિત્વ નથી. તેથી દ્રષ્ટિની પ્રધાનતામાં જ્ઞાનચેતનાની મુખ્યતા કરી, કર્મચેતના અને કર્મફળચેતનાને ગૌણ ગણી તે એનામાં નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?