૮૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ નથી. જેમાં શાંતિ, શાંતિ, શાંતિ. એવા અકષાયભાવરૂપ શાંતરસની રેલમછેલ થઈ જાય છે તે શાંતરસની દશાનું નામ ચારિત્ર છે.
પ્રશ્નઃ– હા, પણ તેને વ્યવહાર કરવો તો પડે છે ને? નિશ્ચયનું એ સાધન તો છે ને?
ઉત્તરઃ– વ્યવહાર આવે છે ભાઈ! એ કરે છે એમ ક્યાં છે? એ તો માત્ર એને જાણે છે બસ, -કે આ રાગ છે, બીજી ચીજ છે. તું એને નિશ્ચયનું સાધન માન, પણ ધૂળેય સાધન નથી સાંભળને, કેમકે વ્યવહાર-રાગ છે એ તો કર્મસ્વભાવ છે, બંધસ્વભાવ છે અને નિશ્ચય અબંધસ્વભાવ છે, વીતરાગસ્વભાવ છે. (એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે)
અહો! શું એ વીતરાગી ચારિત્ર દશા! મહાવંદનીક દશા છે એ; એ તો પરમેષ્ઠીપદ છે ભાઈ! મુનિરાજ નિત્ય આવી ચારિત્રદશાએ વર્તે છે,
હવે કહે છે- ‘અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રને-ચેતતો (અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.’
જુઓ, આ સરવાળો કીધો. એમ કે પુણ્ય-પાપનું-ઝેરનું વેદન ત્યાગીને, ચારિત્રસ્વરૂપ થયો થકો એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માને જ વેદતો હોવાથી પોતે જ જ્ઞાનચેતના છે. તેને કર્મચેતના ને કર્મફળચેતના નથી એમ વાત છે.
‘ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે.’
જુઓ, આ વ્યવહારની વાત કરી છે. આમાં અશુભને ટાળી દોષથી નિવર્તાવવાનો શુભ વિકલ્પ હજુ છે. પૂર્વે લાગેલા દોષોથી આત્માને હું નિવર્તાવું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણ તે શુભભાવ છે. તેવી રીતે ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરું-એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે, તેય શુભભાવ છે, તથા વર્તમાન દોષથી આત્માને જુદો કરું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર આલોચના છે. આ વ્યવહાર પ્રતિક્રમણાદિમાં અશુભથી છૂટી શુભમાં આવે છે તે વ્યવહાર છે, પણ તે આત્મરૂપ નથી. હવે એ જ કહે છે-
‘અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો,