૩. વર્તમાનમાં પુણ્ય-પાપનું કારણ જે કર્મનો વિપાક તેનાથી પાછો ફર્યો તે આલોચના છે.
આ રીતે તે આત્મા સદા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના કરતો થકો, પોતાના જ્ઞાનસ્વભાવમાં જ ચરતો હોવાથી ચારિત્ર છે, અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે.
નિયમસારના આરંભના એક શ્લોકમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે-હે પરમાત્મા! તું હોતાં હું ઓલા મોહમુગ્ધ અને સંસારીઓ જેવા કામી બુદ્ધ અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? ને જ પૂજું. હું તો જેણે ભવોને જીત્યા છે, જન્મ- મરણનો નાશ કર્યો છે એવા તને વંદું છું. જુઓ આ મુનિરાજ! કે જેમને ભવ જીતવાની ભાવના છે.
વળી આગળ જતાં તેઓ કહે છે-હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિની ફરી ફરીને અત્યંત પ્રેરીત થયું છે એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્ય વૃત્તિ’ નામની આ ટીકા રચાય છે. જુઓ એકલી નગ્નદશા ને બહારમાં મહાવ્રતનું પાલન કરે એ કાંઈ દિગંબર નથી, પણ અંતરમાં નિર્મળાનંદનો નાથ જ્ઞાનસ્વભાવી પ્રભુ પોતે છે તેને ઓળખી તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરે તે દિગંબર છે. અહાહા...! નાગા બાદશાહથી આઘા. તેને સમાજની કાંઈ પડી નથી. દુનિયાને આ ગમશે કે નહિ એની એને કાંઈ પડી નથી. દુનિયાનું દુનિયા જાણે; અમે તો મોક્ષમાર્ગી છીએ. અમે તો અંદર આત્માની રુચિ અને જ્ઞાન-ધ્યાનમાં છીએ અને કહીએ તો એ જ (મારગ) કહીએ છીએ.
અહાહા...! મુનિરાજ તો નિર્મળાનંદ પ્રભુ આત્મામાં રમણ કરનારા ને તેમાં ચરનારા-વિચરનારા છે. તેઓ નિત્ય અતીન્દ્રિય આનંદનું ધરાઈને ભોજન કરનારા છે. અહાહા...! જેમને આકુળતાની ગંધેય નથી એવા અનાકુળ સુખના ઢગલા છે એવા ચારિત્રવંત મુનિને અંદર નિત્ય અતીન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. કોઈને થાય કે મુનિને વનમાં અનેક પરિષહ સહન કરવાના થતાં કેવાં દુઃખ વેઠવાં પડે? તેને કહીએ કે ભાઈ! મુનિરાજને દુઃખ વેઠવું પડે એ તારી વાત ખોટી છે, કેમકે મુનિરાજને અકષાયી શાંતિ પ્રગટી હોવાથી તેઓ નિરંતર અતીન્દ્રિય આનંદની મોજમાં મસ્ત હોય છે. તેને અહીં ચારિત્ર કહ્યું છે અને તે મોક્ષમાર્ગ છે.
કોઈને લાગે કે વ્યવહારની તો વાત જ કરતા નથી. તેને કહીએ છીએ કે-ભાઈ! વ્યવહાર હોય છે. જ્યાંસુધી પૂર્ણ વીતરાગ દશા ન થાય ત્યાંસુધી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો વ્યવહાર મુનિરાજને હોય છે, પણ એ બધો રાગ છે, દુઃખ છે, બંધનનું કારણ છે, મુનિરાજને એ કર્તવ્ય છે એમ નથી. તેમાં કાંઈ આત્માની શાન્તિ