Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3531 of 4199

 

૮૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે (કેમકે ચેતનની પર્યાયમાં જ જાણવું થાય છે). આમ જાણનારો જાણનારને જ જાણે છે અને જાણતો થકો તેમાં જ ચરે છે, ઠરે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ...? સમયસાર નાટકમાં આવે છે કે-

સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા સુખભાસ;
વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.

જુઓ, આ જીવનું વાસ્તવિક પરિણમન-વિલાસ બતાવ્યું છે. અહાહા...! ભૂત, વર્તમાન, ભાવિ કર્મથી ખસી એક જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ ઉપયોગ તેમાં જ સ્થિર થાય છે તે ચારિત્ર છે. તે ચારિત્રસ્વરૂપ સદાય પોતે પરિણમી રહ્યો છે. તેને વ્યવહાર પ્રતિક્રમણાદિનો કદીક વિકલ્પ ઉઠે છે, પણ તે દોષ છે. હવે આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી દિવ્યધ્વનિમાં આવી છે. પણ એને બેસે તો ને! ભાઈ! તું તો ચેતનારો-જાણનારો છો ને પ્રભુ! કોને? પોતાને અહા! પોતાને જાણીને પછી તું પોતામાં જ ઠરે-રમે તે ચારિત્ર છે, તે મોક્ષમાર્ગ છે. આવો અલૌકિક મારગ છે.

પ્રશ્નઃ– તો મુખ્યપણે ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે ને? સમ્યગ્દર્શન-જ્ઞાન તો મોક્ષમાર્ગનું કારણ છે.

ઉત્તરઃ– ભાઈ! સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર-એમ ત્રણ ભેદ તો સમજાવવા માટે છે, પણ છે તો ત્રણે સાથે એક સમયમાં. ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે એમ યર્થાથ સમજવું.

અહીં ચારિત્રની વ્યાખ્યા કરે છે. તો કહે છે-જ્ઞાનસ્વભાવ છે એ તો અબંધસ્વભાવ છે, ને પુણ્ય-પાપના ભાવ છે તે બંધસ્વભાવ છે, કર્મસ્વભાવ છે; કેમકે તેઓ પૂર્વ કર્મના નિમિત્તે થાય છે, ને પોતે નવાં કર્મનું નિમિત્ત છે. તેથી પુણ્ય-પાપથી નિવર્તી, ત્રણે કાળના કર્મથી પાછા ફરી એક જ્ઞાનસ્વભાવમાં ચરવું-વિચરવું તે ચારિત્ર છે અને તે મોક્ષમાર્ગ છે. હવે આવી વાત દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાં છે? સંપ્રદાયમાં કેટલાક કહે છે કે તમારે-અમારે કાંઈ ફેર નથી; પણ મોટો ફેર છે ભાઈ! અહાહા...! આ દિગંબર સંતોની વાણી તો જુઓ! એક એક ગાથામાં કેટલું ભર્યું છે!

૧. વર્તમાન પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં પૂર્વના કર્મથી પાછો ફર્યો તે પ્રતિક્રમણ છે.

૨. પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં તેનું કાર્ય જે કર્મ તેનાથી પાછો ફર્યો તે પ્રત્યાખ્યાન છે.