રાગ છે, એ ચારિત્ર નથી, આત્માનું એ શુદ્ધ સ્વરૂપેય નથી. અહા! પોતાના શુદ્ધસ્વરૂપના- ચૈતન્યસ્વરૂપના આશ્રયે રાગની એકતા તોડીને હવે જે અસ્થિરતાના રાગથીય નિવર્તે છે અને સ્વભાવમાં લીન થઈ પ્રવર્તે છે તે આત્મા પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, સંવર છે. આનું નામ ચારિત્ર છે.
પુણ્ય-પાપ ભલા છે, મારા છે એમ જે માને છે તેને ‘મિચ્છામિ દુક્કડમ્’ હોઈ શહે નહિ. પુણ્ય-પાપના ભાવ જે વર્તમાન થાય છે તેનાથી અત્યંત ભેદ કરી, જુદો પડી સ્વસ્વરૂપમાં લીન થઈ જાય તેને સંવર છે અને તેનું નામ આલોચના છે. તેનાં દુષ્કૃત મિથ્યા થાય છે. અહો! આવી વાત! પણ એને કયાં ફુરસદ છે? ભાઈ! આનું વાંચન, વિચાર ને ખૂબ મંથન રોજ રોજ હોવું જોઈએ. આના સંસ્કાર આ અવસરે પડી ગયા તો તે કલ્યાણનું કારણ થશે. બાકી તો સમજવા જેવું છે. એકલા પાપના સેવનમાં રહેનારા તો મરીને કયાંય નરક ને ઢોરની ગતિમાં ખોવાઈ જશે. સમજાણું કાંઈ...!
હવે કહે છે- ‘એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્ પ્રતિક્રમણ કરતો) થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ-જ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે).
અહાહા...! રાગથી-પુણ્ય-પાપના ભાવોથી પાછો ફરીને પોતાના સ્વરૂપમાં ઠર્યો છે તે ધર્માત્મા પુરુષ સદાય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના કરે છે. તેને સદાય ચારિત્રદશા વર્તે છે. આ દેહની ક્રિયા થાય તે પ્રતિક્રમણ અને ચારિત્ર એમ નહિ. દેહ તો માટીનો ઘડો ભગવાન! એ તો ઘડીકમાં ફૂટી જશે; તે ક્યાં તારી ચીજ છે? અહીં તો પૂર્વકર્મનું કાર્ય અને ઉત્તરકર્મનું કારણ એવા જે પુણ્ય-પાપ આદિ ભાવ ધર્માત્માને પોતાની દશામાં થાય છે તેનાથી પાછા ફરી સ્વસ્વભાવ એવા જ્ઞાનસ્વભાવમાં વર્તવું-રમવું-ઠરવું- ચરવું એને ચારિત્ર કહ્યું છે. અહાહા...! પરભાવોથી નિવૃત્ત થયો થકો એક જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો-વિચરતો થકો પોતે જ ચારિત્રસ્વરૂપ છે. અહો! દિગંબર સંતોની વાણી સચોટ રામબાણ છે. ભાઈ! તું નિર્ણય તો કર કે મારગ આ જ છે.
અહાહા...! કહે છે- ‘જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો’...., અહા! જ્ઞાનસ્વભાવ તો જાણવારૂપ છે પ્રભુ! જેની સત્તામાં એ જાણવું થાય છે તે ચેતન છે ખરેખર તે ચેતનની સત્તાને જ જાણે છે. અહા! જેની સત્તામાં પદાર્થોનું હોવાપણું જણાય છે તે ચેતનસત્તા છે. અહાહા...! જાણનારો છે તે ચેતન છે, અને જે જણાય છે તે પણ ચેતન