૭૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ઉત્તરઃ– સંયમ? સંયમ નથી; એ અસંયમ જ છે. અરે ભાઈ! સંયમ કોને કહેવાય એની તને ખબર જ નથી. ‘સંયમ’ શબ્દમાં તો ‘સમ્+ યમ્’ શબ્દો છે. -સમ્ નામ સમ્યક્ પ્રકારે યમ અર્થાત્ સમ્યગ્દર્શન પૂર્વક યમ તેને સંયમ કહે છે. આત્મા પૂરણ પરમસ્વભાવભાવ વસ્તુ છે તેની અંતરમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ થતાં નિજ સ્વભાવભાવમાં જ વિશેષ-વિશેષ લીન-સ્થિર થવું તે સંયમ છે, ચારિત્ર છે, અને તે મોક્ષમાર્ગ છે. આવી વાત છે. ભાઈ! તને રાગની ક્રિયામાં સંયમ ભાસે છે તે મિથ્યાભાવ છે.
સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધ રત્નત્રય તે મોક્ષમાર્ગ છે. નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું છે કે-માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારે જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. માર્ગ શુદ્ધ રત્નત્રય છે અને તેને વ્યવહારની કોઈ અપેક્ષા નથી એવો તે નિરપેક્ષ છે. અંદર ચૈતન્યસ્વરૂપ પરમાનંદ પ્રભુ છે તેનાં દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતા થાય તે નિરપેક્ષ નિશ્ચય રત્નત્રય છે અને તે મોક્ષમાર્ગ છે.
જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને હજુ અસ્થિરતાના ભાવ છે. આ અસ્થિરતાથી ખસીને-નિવર્તીને સ્વભાવમાં પ્રવર્તવું-રમવું-લીન થવું તે આલોચના છે અને તે જ ભૂત અને ભાવિ કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. આ ચારિત્રની વિધિ છે. ભાઈ! વ્રત, ભક્તિ, દયા ઇત્યાદિ પાળવારૂપ જે ભાવ થાય છે તે અસ્થિરતા છે. તેનાથી તો ખસવાની-નિવર્તવાની વાત છે. તેને જ તું સંયમ ને ચારિત્ર માનવા લાગે એ તો મહા વિપરીતતા છે. મુનિરાજને નિશ્ચય ચારિત્ર સાથે તે વ્યવહાર સહચરપણે ભલે હો, પણ તે ચારિત્ર નથી, તે ચારિત્રનું કારણ પણ વાસ્તવમાં નથી. ખરેખર તો તે અસ્થિરતાથી ખસી સ્વરૂપ-સ્થિરતા જે થાય તે જ ચારિત્ર છે.
લોકોને એમ લાગે કે આ તો ‘નિશ્ચય, નિશ્ચય, નિશ્ચય’ની જ વાત છે. પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય, વ્યવહાર તો ઉપચારમાત્ર છે. નિશ્ચય સાથે વ્યવહાર હો ભલે, પણ એ બંધનું જ કારણ છે, એ કાંઈ મુક્તિમાર્ગ કે મુક્તિમાર્ગનું કારણ નથી. વ્યવહારથી-રાગથી નિશ્ચય-વીતરાગતા થાય એમ માને એ તો વિપરીતતા છે ભાઈ! અહીં તો ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ સત્ય સાહ્યબો પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર જે વિરાજ્યો છે તેનું ભાન થયા પછી જે અસ્થિરતાના પુણ્ય-પાપના ભાવ છે તેનાથી નિવર્તી અંદર સ્વરૂપમાં લીનતા-જમાવટ કરે છે તે આત્મા પોતે ચારિત્રરૂપ થાય છે એમ વાત છે. ધીમે ધીમે સમજવું ભાઈ! અરે! અનંતકાળમાં એ સત્ય સમજ્યો નથી! શું થાય? સમજવાનાં ટાણાં આવ્યાં તો શુભમાં રોકાઈ પડયો!
પ્રતિક્રમણ કરું, પ્રત્યાખ્યાન કરું, આલોચના કરું એવા જે વિકલ્પ છે એ તો