Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3528 of 4199

 

સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ઃ ૭૭

હવે બીજી વાતઃ- ‘તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો થકો, પ્રત્યાખ્યાન છે... ,

આ પુણ્ય-પાપના જે ભાવ તેના કાર્યભૂત ભવિષ્યકાળનાં કર્મ છે. તેને સ્વરૂપની સ્થિરતા દ્વારા પચખતો થકો તે આત્મા જ પ્રત્યાખ્યાન છે. પુણ્ય-પાપના ભાવ આકુળતારૂપ હતા. તેનાથી ખસી નિરાકુળ આનંદની દશામાં સ્થિર થયો તેને વીતરાગતા પ્રગટી તે હવે પુણ્ય-પાપના કાર્યભૂત ભવિષ્યના કર્મથી ખસી ગયો છે અને તેને પ્રત્યાખ્યાન કહે છે. ભાઈ! પ્રત્યાખ્યાન કાંઈ આત્માથી બીજી ચીજ નથી.

એક જ સમયમાં ત્રણ વાતઃ જે સમયે આત્મા પુણ્ય-પાપના ભાવથી નિવર્ત્યો તે જ સમયે તે ભાવોનાં કારણભૂત જે પૂર્વકર્મ તેનાથી નિવર્તે છે માટે પોતે જ પ્રતિક્રમણ છે, વળી તે જ સમયે તે ભાવોનાં કાર્યભૂત જે ભવિષ્યનાં કર્મ તેનાથી નિવર્તે છે માટે પોતે જ પ્રત્યાખ્યાન છે અને તે જ સમયે વર્તમાન કર્મના ઉદયથી નિવર્તે છે માટે પોતે જ આલોચના છે. આનું નામ ચારિત્ર છે. ભાઈ! જે શુભાશુભ ભાવ છે તે અચારિત્ર છે, અપ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાન છે, આસ્રવભાવ છે. તેનાથી ખસીને સ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે-રમે તે ભાવસંવર છે, ચારિત્ર છે, પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે. આવી વાત છે.

હવે ત્રીજી વાતઃ ‘તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, આલોચના છે.’

અહાહા...! જોયું? તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકથી ભિન્ન પોતાને અનુભવતો થકો પોતે જ આલોચના છે. આ તો સિદ્ધાંત બાપા! પોતાનું સ્વરૂપ તો એકલો આનંદ અને શાન્તિ છે. અહાહા...! વર્તમાન કર્મવિપાકથી ખસી, પુણ્ય-પાપથી ખસી, અંદર સ્વરૂપમાં ઠરી જવું તે આલોચના છે, સંવર છે. આ એક સમયની સ્વરૂપ-સ્થિતિની દશા છે; તેને પૂર્વકર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ કહે છે. ભવિષ્યના કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રત્યાખ્યાન કહે છે, અને વર્તમાન કર્મવિપાકથી નિવર્તવાની અપેક્ષા આલોચના કહે છે; અને તે ચારિત્ર છે.

આ ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર કોને હોય? કે જેને પ્રથમ આત્મદર્શન થયું છે તેને ચારિત્ર હોય છે. આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ પરમસ્વભાવભાવ છે તેની સન્મુખ થઈને જે જ્ઞાન (સ્વસંવેદન) થાય તે સમ્યગ્જ્ઞાન છે, અને તેનું જે શ્રદ્ધાન થાય તે સમ્યગ્દર્શન છે. આવાં જ્ઞાન-શ્રદ્ધાન પૂર્વક જ ચારિત્ર હોય છે. તેની વિધિ શું છે તેની આ વાત છે. વિના સમ્યગ્દર્શન ચારિત્ર સંભવિત નથી. કોઈ સમ્યગ્દર્શન રહિત ગમે તેવાં વ્રત, તપ આદિ આચરે પણ તે ચારિત્ર નથી.

પ્રશ્નઃ– પણ એ સંયમ તો છે ને?