૭૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ‘રજ’ નામ આઠ જડકર્મથી ને ‘મલ’ નામ વિકારી ભાવ અર્થાત્ ભાવકર્મથી રહિત છે. આવા પરમાત્માની હું સ્તુતિ કરું છું. લ્યો, પાઠ આવો છે, પણ બિચારા કાંઈ સમજે કરે નહિ ને બોલી જાય. પણ ભાઈ! એમ ધર્મ કેમ થાય? અને ભાઈ! જૈનમાં જન્મ્યો અને જૈન પરમેશ્વર શું કહે છે તે સમજવાની દરકાર સુદ્ધાં ન કરે તો આ બંધન કેમ છૂટે?
અહીં કહે છે-પૂર્વનું બંધાયેલું કર્મ પડયું છે એનો ઉદય આવતાં થતા પુણ્ય-પાપના જે ભાવ તેનાથી પોતાને નિવર્તાવે છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકો પોતે જ પ્રતિક્રમણ છે. અહા! જૈન પરમેશ્વરની દિવ્ય દેશનામાં આવેલું તત્ત્વ જે અહીં દિગંબર સંતો આડતિયા થઈને જાહેર કરે છે કે તે આ છે ભાઈ! રુચે એવું છે, તને રુચે તો લે. કહે છે-પૂર્વ બાંધેલાં કર્મ છે તેના ઉદયના નિમિત્તે થતા જે શુભ- અશુભભાવ તેનાથી પોતાને નિવર્તાવે છે અર્થાત્ તે શુભાશુભ ભાવને જે છોડે છે અને અંદર નિજસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમતો થકો પોતે જે પ્રતિક્રમણ છે.
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ શુભ છે, ને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિના ભાવ અશુભ છે. તે ભાવો બધા પૂર્વકર્મના ઉદયના નિમિત્તે થયેલા ભાવો છે. સ્વસ્વરૂપમાં રમણતા દ્વારા તે વિકારી ભાવોથી જે આત્મા પાછો ફરે છે તે, તે ભાવના કારણભૂત પૂર્વકર્મથી પાછો ફરે છે. આનું નામ પ્રતિક્રમણ છે. અહાહા...! સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ દ્વારા જે પુણ્ય-પાપના ભાવોથી નિવર્તે છે તે તે ભાવોના કારણભૂત પૂર્વકર્મથી નિવર્તે છે અને એને ભૂતકાળના કર્મથી પ્રતિક્રમ્યો-પાછો ફર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...! અહાહા...! એકેક શબ્દે કેટલું ભર્યું છે!
ભાઈ! જિંદગી ચાલી જાય છે હોં. અત્યારે (આ અવસરમાં) આ સમજવાનું કરવાનું છે. બાકી આ દેહના ભરોસે રહેવા જેવું નથી. જોતજોતામાં આ છાતીનાં પાટિયાં ભીંસાઈ જશે અને ક્ષણમાં હાર્ટફેલ થઈ જશે. આ દેહ ક્ષણમાં જ ફૂ થઈને ઉડી જશે. માટે જાગ ભાઈ જાગ! દેહ છૂટી જાય તે પહેલાં સમજણ કરી લે. સ્વસ્વરૂપની સમજણ કરી હશે તો કલ્યાણ થશે, નહિ તો મરીને ક્યાં જઈશ ભાઈ! ક્યાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ, ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ.
અહાહા...! આત્મા શુભાશુભ ભાવથી ખસીને અતીન્દ્રિય ઉગ્ર આનંદની દશામાં આવ્યો તે પોતે જ પ્રતિક્રમણ છે. પુણ્ય અને પાપના બન્ને ભાવ દુઃખ અને આકુળતા છે. તેનાથી છૂટીને અનાકુળ આનંદસ્વરૂપમાં-નિજાનંદરસમાં પ્રવૃત્ત થઈ લીન થયો તે પૂર્વના કર્મથી નિવર્તતો થકો પોતે જ પ્રતિક્રમણમય છે. પ્રતિક્રમણની વિધિ તો આ છે બાપુ! તું બીજી રીતે માન પણ એથી તને સંસાર સિવાય કાંઈ લાભ નથી. સમજાણું કાંઈ...! આ એક વાત થઈ