Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3536 of 4199

 

સમયસાર ગાથા ૩૮૩ થી ૩૮૬ઃ ૮પ

કર્મફળચેતના છે. બન્ને અજ્ઞાનચેતના છે. અહા! તેમાં જે એકાગ્ર થાય તેને, કહે છે, બંધ દોડતો આવે છે. દોડતો આવે છે એટલે શું? કે તેને તત્કાલ બંધ થાય છે. અહા! તેને તત્કાલ જ દર્શનમોહનીય કર્મ બંધાય છે. સમજાણું કાંઈ....?

ભાઈ! કોઈ દસ-વીસ લાખ રૂપિયાનું દાન કરે, જિનમંદિર બંધાવે અને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તો, અહીં કહે છે, તેને બંધ દોડતો આવે છે, તેને તત્કાલ દર્શનમોહનીયનો બંધ થાય છે.

તો શું તેને પુણ્યબંધ પણ નથી થતો? ભાઈ! દાનમાં કદાચિત્ મંદરાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય પણ સાથે જ રાગમાં એકાગ્રતા-એકત્વ વર્તતું હોવાથી દર્શનમોહનો બંધ તત્કાલ જ થાય છે અને એ દીર્ઘ સંસારનું મૂળ છે. બાપુ! સંપ્રદાયમાં ચાલતી વાત અને આ વીતરાગની વાણીમાં આવેલી વાતમાં બહુ ફેર છે, ઉગમણો-આથમણો ફેર છે. શુભરાગમાં એકાગ્ર થતાં ધર્મ થાય એ વાત તો દૂર રહો, એનાથી મિથ્યાત્વનો બંધ થાય છે.

ત્યારે કોઈ વળી કહે છે-દયા, દાન, વ્રતાદિના વિકલ્પ તે ધર્મનું સાધન છે. અરે ભાઈ! એ વાતની અહીં ના પાડે છે. તું જો તો ખરો શું કહે છે? કે જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે, અને અજ્ઞાન સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાઈ! આ જૈન પરમેશ્વરની વાણીમાંથી આવેલી વાત છે. અંદર ભાગવતસ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતાં તત્કાલ જ્ઞાન નિર્મળ પ્રકાશે છે, ધર્મ પ્રગટ થાય છે અને અજ્ઞાન નામ રાગાદિમાં-દયા, દાન, વ્રતાદિમાં-એકાગ્ર થઈ પ્રવર્તતાં તત્કાલ મિથ્યાત્વનો બંધ થાય છે. હવે આવી વાત છે છતાં વ્રતાદિ પરિણામથી ધર્મ થાય એમ તું માને એ તારી મોહજનિત હઠ સિવાય બીજું કાંઈ નથી. ભાઈ! જે કોઈ પરિણામમાં સ્વભાવનો અનાદર થાય તે પરિણામથી બંધ જ દોડતો આવે છે. તેનાથી ધર્મ થતો જ નથી.

અરે ભાઈ! અંદર તું પવિત્રતાનો પિંડ જ્ઞાનાનંદનો દરિયો છો ને પ્રભુ! અહાહા...! તેમાં જ એકાગ્ર થઈ ત્યાં જ તું રમે એમાં તારું હિત છે. અહા! રાગનો સંબંધ તોડી તું પરમ એકત્વ-વિભક્ત સ્વભાવમાં એકત્વ સ્થાપી તેમાં જ લીન થાય એમાં તને સુખ થશે, શુદ્ધતા પ્રગટશે અને એ જ રીતે તને પરમાનંદસ્વરૂપ પરમપદ પ્રાપ્ત થશે. અહા! પણ આવા નિજસ્વભાવનો ત્યાગ કરીને તું શુભરાગમાં એકાગ્ર થાય અને ત્યાં જ રમે તો, આચાર્ય ફરમાવે છે, તને બંધ દોડતો આવશે, અર્થાત્ તરત જ તને મિથ્યાત્વનું બંધન થશે. અહો! બહું ટૂંકા શબ્દોમાં દિગંબર સંતોએ બહુ ચોખ્ખી વાત કરી છે. સ્વરૂપમાં રમે તો શુદ્ધતા ને સિદ્ધપદ અને રાગમાં રમે તો સંસાર.

અરેરે! સ્વરૂપની સમજણ વિના જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે. અરે!