છોડીને ભલે કોઈ રાજ્ય છોડે, રણવાસ છોડે, ભોગ છોડે, પરંતુ જો શુભરાગની વાસના છે તો તેને મોહકર્મ દોડતું આવીને બાંધે છે, તેને સંસાર જ ફળે છે.
અહાહા....! રાગની એકતાને તોડી જે અંદર આનંદની ખાણને ખોલે છે તે સમકિતી છે અને તેમાં જ વિશેષ લીન થાય છે તે ચારિત્રવંત છે. આવો મારગ છે.
‘કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું નામ સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે, અર્થાત્ કેવળજ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાન ઉપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.’
કળશમાં ‘સંચેતન’ શબ્દ પડયો છે ને? તેનો ભાવ શું? તો કહે છે-વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો-સ્વાદ લેવો તેનું નામ સંચેતન છે. જ્ઞાન અર્થાત્ ભગવાન આત્મા પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને અર્થાત્ ઉપયોગને તેમાં જ જોડીને તેના પ્રતિ જ ચેત રાખવી વા તેમાં જ જાગ્રત રહેવું, તેના જ સ્વાદમાં લીન રહેવું તે જ્ઞાનનું સંચેતન નામ જ્ઞાનચેતના છે. સમ્યગ્દર્શનપૂર્વક ઉપયોગની અંતર-એકાગ્રતા થાય તેને અહીં જ્ઞાનની સંચેતના કહી છે. તેનાથી, કહે છે, જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે.
હવે આવું સ્વરૂપ સમજ્યા વગર વ્રત, તપ ને ઉપવાસ કરવા મંડી પડે પણ એથી શું? એ કાંઈ નથી, એ તો એકલો રાગ છે બાપા! અને એનીય પાછી પ્રસિદ્ધિ કરે, છાપામાં આવે કે આને આટલા ઉપવાસ કર્યાં, પણ ભાઈ! એ ઉપવાસ નહિ પણ અપવાસ નામ માઠા વાસ છે, પ્રભુ! અને એની પ્રસિદ્ધિ એ તારી પાગલપણાની પ્રસિદ્ધિ છે. સમજાણું કાંઈ....? રાગમાં રોકાઈને પોતાની નિર્મળ ચૈતન્યની દશાને રુંધી રાખી છે એવા પાગલપણાની પ્રસિદ્ધિ છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીન થવું તે જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. અહાહા....! જેમ મોર ગેલમાં આવી કળા કરે ત્યારે એનાં પીંછાં ખીલે છે, તેમ ભગવાન આત્મા નિજ સ્વભાવમાં એકાગ્ર થઈને રમે-પ્રવર્તે ત્યારે પર્યાયમાં જ્ઞાન અને આનંદની કળા ખીલી નીકળે છે, જ્ઞાનચેતના ખીલી નીકળે છે, અને તે વૃદ્ધિગત થઈ જેમ પૂનમનો ચંદ્ર સર્વ કળાએ ખીલી નીકળે તેમ જ્ઞાનચેતના કેવળજ્ઞાનપણે ખીલી ઊઠે છે. આવી વાત! સ્વસ્વરૂપમાં લીન થઈને ત્યાં જ રમે તેને કેવળજ્ઞાન ખીલી ઊઠે છે; અને ત્યારે સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.