સર્વકર્મો આત્માના દોષસ્વરૂપ છે એમ કહે છે. જોયું? સર્વ કર્મો અર્થાત્ સર્વ ક્રિયાકાંડ શુદ્ધોપયોગથી વિપરીત છે અને તે આત્માના દોષસ્વરૂપ છે. ભાઈ! આ વ્યવહાર પ્રતિક્રમણ વગેરે દોષસ્વરૂપ છે, લોકો એને ધર્મ માને છે ને? અહીં કહે છે તે દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. લોકોને બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે ભાઈ! અંદર વસ્તુમાં સર્વજ્ઞશક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે, કાંઈ બહારથી (રાગમાંથી) તે પ્રગટ થતું નથી. એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે શુદ્ધોપયોગ છે, તે સાચું ચારિત્ર છે અને પુણ્ય-પાપના સર્વ ભાવો દોષસ્વરૂપ છે, કર્મચેતનાસ્વરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સર્વ શુદ્ધોપયોગથી વિપરીત હોવાથી દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. બાપુ! કોઈ દિ’ સાંભળ્યું ન હોય એટલે આ કઠણ લાગે પણ સત્ય આ જ છે. સમજાણું કાંઈ...?
એ સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે -તે જ્ઞાનીનું કાર્ય છે. જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! અહાહા...! બરફની પાટની જેમ આત્મા શાન્તિ... શાન્તિ... શાન્તિ બસ શાન્તિરૂપ શીતળતાના સ્વભાવથી ભરેલી પાટ છે. તેમાં તન્મય થઈ ઠરી જાય, જામી જાય તે શુદ્ધોપયોગ છે. અહા! આવા જામેલા શુદ્ધોપયોગ વડે આત્મામાં સ્થિર થઈ, નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાને સન્મુખ થવું તે ધર્મી-જ્ઞાનીનું કાર્ય છે.
આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો.
હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહે છે.
(શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે-) ‘इति एवम्’ પૂર્વોક્ત રીતે ‘त्रैकालिकम् समस्तं कर्म’ ત્રણે કાળનાં સમસ્ત કર્મોને ‘अपास्य’ દૂર કરીને -છોડીને, ‘शुद्धनय–अवलम्बी’ શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને ‘विलीन–मोहः’ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું ‘अथ’ હવે ‘विकारैः रहितं चिन्मात्रम् आत्मानम् (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને ‘अवलम्बे’ અવલંબું છું.
અહાહા....! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્ર પ્રગટ કરવાની, સ્વસ્વરૂપમાં રમણતાની જેને ભાવના છે તે એમ જાણે-અનુભવે છે કે-ગયા કાળના પુણ્ય-પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હઠું છું; આ વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હઠું છું; તેમ જ ભવિષ્યકાળના જે પુણ્ય-પાપના