પર્યાયો અનંતકાળ સુધી થયા જ કરે છતાં તે એવી ને એવી રહે, એમાં કાંઈ ઘટ-વધ થાય નહિ એવી આશ્ચર્યકારી ચીજ એ છે. અહીં કહે છે-આવી મારી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર ચીજને હું અવલંબું છું. અહા! જેમાંથી કેવળજ્ઞાન પાકે એવી મારી ચીજને હું અવલંબું છું.
પ્રથમ શુદ્ધનયના આલંબન વડે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ગ્રહણ કર્યો છે; પણ હજી વ્યવહારના વિકલ્પ આવે છે. તેને છોડી દઈ, હવે કહે છે, શુદ્ધનયથી પૃથક્ કરેલા નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને હું અવલંબું છું. હું શુદ્ધનયાવલંબી વિલીનમોહ એવો સર્વ વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને અવલંબું છું, એમ કે રાગ મારો છે એવો જે મિથ્યાત્વનો ભાવ તે મને નષ્ટ થઈ ગયો છે; દયા, દાન, વ્રતાદિના ભાવથી ધર્મ થાય એવો જે મિથ્યાત્વનો ભાવ તેનો નાશ થઈ ગયો છે, અને હવે મને શુદ્ધનયનું આલંબન છે, નિર્વિકાર શુદ્ધ ચૈતન્યનું જ આલંબન છે. આવી વાત! હવે એક કળશમાં કેટલું ભર્યું છે? ભાઈ! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે અતિ ગંભીર છે. અહો! સર્વજ્ઞના કેડાયતી દિગંબર સંતોએ ગજબનાં કામ કર્યાં છે. સર્વજ્ઞસ્વભાવ અલ્પકાળમાં પૂર્ણ પ્રગટ કરવાના છે ને? તેને અનુસરીને અહીં વાત કરી છે.
અહીં ત્રણ વાત કહી છેઃ ૧. ત્રણે કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું હઠું છું. ૨. અંદર શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ હું છું તેને શુદ્ધનય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું. ૩. મારો ચિન્માત્ર આત્મા જ, ચિત્સ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી; કેમકે રાગ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી.
પ્રથમ વિકારથી જુદો પાડીને ચિન્માત્ર ભગવાન આત્માને ગ્રહણ કર્યો હતો, પ્રાપ્ત કર્યો હતો; હવે સર્વ વિકારને છોડી સ્થિરતા દ્વારા આત્માને પ્રાપ્ત કરે છે. જેમાં એક ચિન્માત્ર આત્માનું જ આલંબન છે. આ ચારિત્ર છે.
અરે! શુક્લ લેશ્યાના પરિણામ વડે એ નવમી ગ્રૈવેયકમાં ઉપજ્યો, પણ મંદકષાયની ક્રિયાથી લાભ છે એવી દ્રષ્ટિ (મિથ્યા) એને છૂટી નહિ ને એનું સંસાર પરિભ્રમણ મટયું નહિ, એના કલેશનો અંત આવ્યો નહિ. છહઢાલામાં આવ્યું છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
ભાઈ! આ વિપરીત માન્યતાને હવે છોડી દે. (એમ કે આ અવસર છે). હવે આવું સાંભળવાય ન મળે તે તત્ત્વને ક્યારે પામે? આવી વાત આ કાળમાં પ્રીતિથી જે સાંભળે છે તેમને ધન્ય છે. પદ્મનંદી પંચવિંશતિમાં આવે છે કે-