૧૨૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
निश्चितं स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।।
ભાઈ! સમ્યગ્દર્શન વિના ચારિત્ર નામ મુનિદશા હોતી નથી, એવો માર્ગ છે. અહીં તો સર્વ વિકારને છોડી ચૈતન્યમાત્ર આત્માને જ અવલંબે એનું નામ ચારિત્ર છે. એ જ કહ્યું અહીં કે- સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચિન્માત્ર આત્માને અવલંબું છું; તેમાં જ લીન રહું છું. આવી વાત છે.
પંચેન્દ્રિયના વિષયો પ્રતિ જેને રાગ છે એ તો ઝેરના પ્યાલા જ પીએ છે, પણ દયા, દાન, વ્રતાદિના વિકલ્પો પ્રતિ જેને રાગ છે એય ઝેરના જ પ્યાલા પીએ છે, તેને અમૃતનો સ્વાદ નથી. અહાહા...! અમૃતનો સાગર તો અંદર આનંદનો નાથ પ્રભુ એકલા અમૃતથી પૂર્ણ ભરેલો પ્રભુ છે. અહા! તેને અવલંબી તેમાં જ લીન-સ્થિર થવું એ ભરપુર આનંદનો-અમૃતનો સ્વાદ છે અને તેને જ ભગવાન કેવળી ચારિત્ર કહે છે. આ સિવાય કોઈ ઘર છોડે ને દુકાન છોડે ને બાયડી-છોકરાં છોડે ને વસ્ત્ર છોડી નગ્ન થઈ વ્રત ધારણ કરે, પણ એ કાંઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ....?
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ- (ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય અર્થનું કાવ્ય કહે છેઃ-)
(સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે-) ‘कर्म–विष– तरु– फलानि’ કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ ‘मम भुक्ति मन्तरेण एव’ મારા ભોગવ્યા વિના જ ‘विगलन्तु’ ખરી જાઓ; ‘अहम् चैतन्य–आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये’ હું (મારાં) ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
જુઓ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે, તેના વિશેષ ભેદ ૧૪૮ છે. તે સમસ્ત કર્મફળના ત્યાગની ભાવના કરનાર ધર્માત્મા કહે છે કે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, જુઓ, શું કહે છે? સમસ્ત કર્મનાં ફળ વિષવૃક્ષનાં ફળ છે. આ તીર્થંકર પ્રકૃતિનું ફળ તે વિષવૃક્ષનું ફળ છે. આકરી વાત છે પ્રભુ! ધીરજ રાખીને વાત સાંભળવી. જ્ઞાનીને શુભભાવને લઈને તીર્થંકર ગોત્રકર્મ બંધાય છે. તે શુભભાવ ઝેર છે, જ્ઞાની તેનાથી પાછો હઠી ગયો છે. હવે, પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ આવે તે પણ વિષતરુનું ફળ છે, તે ભોગવ્યા વિના જ ખરી જાઓ એમ જ્ઞાની કહે છે. કોઈને આ નવું લાગે પણ બાપુ! આ તો અનાદિસિદ્ધ વીતરાગનો મારગ જ આ છે. અહાહા....! આનંદકંદ અમૃતનો સાગર પ્રભુ આત્મા પૂરણ આનંદ-અમૃતથી સર્વાંગ ભરેલો છે. તેનું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન છે. અહા! આવા આનંદનો ભોક્તા જ્ઞાની કહે છે-