કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, એ કર્મનાં ફળ સૌ વિષવૃક્ષનાં ફળ છે. આવી વાત!
વિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તીર્થંકર પદમાં બિરાજે છે. એક ક્રોડ પૂર્વનું આયુષ્ય છે, ને પાંચસો ધનુષ્યનું દેહમાન છે. હજુ અબજો વર્ષનું આયુષ્ય બાકી છે, પછી મોક્ષપદ પામશે. ત્યાં ઇન્દ્રો ને ગણધરોની સભામાં ચાલી તે વાત અહીં આવી છે. તેમાં કહે છે-પૂર્વે શુભાશુભ ભાવથી જે કર્મ બંધાણાં તે વિષવૃક્ષનાં ફળ છે. પુણ્યના ફળમાં પાંચ-પચાસ લાખ મળે અને લોકો તેમાં સુખ માને તેમને કહે છે-એ બધાં વિષવૃક્ષનાં ફળ છે બાપા! તેમાં ધૂળેય સુખ નથી ભાઈ! એના લક્ષે તને રાગ અને દુઃખ જ થશે. તને શું થયું છે ભાઈ! કે તેમાં તને સુખ ભાસે છે?
સર્પ કરડયો હોય તેને ઝેર ચડે છે. જો લીમડાનાં કડવા પાન ચાવવાથી તે મીઠાં લાગે તો સમજવું કે તેને ઝ્રેર ચઢી ગયું છે. તેમ પુણ્યના ફળમાં મોટી શેઠાઈ કે ઠકુરાઈનું પદ આવે તેમાં મીઠાશ લાગે ને મદ ચઢી જાય તો સમજવું કે તેને મિથ્યાત્વરૂપી સર્પ ડસ્યો છે તેનું ઝ્રેર ચઢી ગયું છે. ભાઈ! કર્મનાં ફળ સર્વ વિષવૃક્ષનાં જ ફળ છે, તેમાં હોંશ કેવી? તેમાં મીઠાશ કેવી? અહીં ધર્મી જીવ કહે છે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અહા! કર્મફળને ભોગવવાની તેને ભાવના નથી. એ તો કહે છે-હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ નિજ આત્માને સંચેતું છું-અનુભવું છું.
શાતાવેદનીય કર્મ બંધાણું હોય તેના ફળમાં સામગ્રીના ઢગલા મળે; પાણી માગે ત્યાં શેરડીના રસ પીવા મળે. પણ એ વિષવૃક્ષનાં ફળ બાપુ! એના લક્ષે દુઃખ જ થાય. તેથી અંદર અતીન્દ્રિય આનંદની છોળો ઉછળે છે એવા જ્ઞાની સંત મુનિવરો કહે છે-- એ કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ અમારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અજ્ઞાની પુણ્યના ફળમાં સુખ માની ફસાઈ જાય છે, ત્યાંથી જ્ઞાની સહજ જ હઠી જાય છે. આ પ્રમાણે પહેલાં કર્મચેતનના ત્યાગની ભાવના નચાવી અને હવે કર્મફળચેતનાના ત્યાગની ભાવના નચાવે છે.
રાગ-દ્વેષ અને હરખ-શોકને ભોગવવાના ભાવ તે કર્મફળચેતના છે. તેનાથી ખસી, જ્ઞાની કહે છે, હું મારા ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું--અનુભવું છું.
‘જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણું- દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપમાં લીન થયો થકો તેનો દેખનાર--જાણનાર જ હોઉં.’