Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3582 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૩૧

છૂટી નથી. પાંચમા ગુણસ્થાને દેશવિરત શ્રાવકને આનંદની વૃદ્ધિ જરૂર થઈ છે, તથાપિ તેને અસ્થિરતાના ભાવ હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે, પ્રચુર આનંદનું સંવેદન વર્તે છે, પણ હજુ પ્રમત્ત દશા છે, પ્રમાદ-જનિત રાગ છે. તેથી આ ત્રણેય દશામાં આવું જ્ઞાન-શ્રદ્ધાન જ મુખ્ય છે, અને જ્યારે જીવ અપ્રમત્તદશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.

ચોથા, પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનમાં આવું જ્ઞાન-શ્રદ્ધાન મુખ્ય છે. સાતમા ગુણસ્થાનમાં જ્યારે મુનિ જાય ત્યારે અસ્થિરતા છૂટી જાય છે. ભાવલિંગી મુનિરાજને ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. અહો! મુનિવરની આ કોઈ અલૌકિક દશા છે. અહા! અતીન્દ્રિય આનંદના ઝુલે ઝ્રુલતા હોય તેને જૈન-સંતમુનિવર કહીએ. બીજે તો આ વાત છે જ નહિ. સાતમેથી છઠ્ઠે આવે ત્યાં જ્ઞાન-શ્રદ્ધાનની મુખ્યતા છે, કેમકે ત્યાં અસ્થિરતા હજુ છે. રાગ આવે તેનો જ્ઞાની જાણનાર-દેખનાર માત્ર છે એ અપેક્ષાએ એને રાગ નથી એમ કહીએ, પણ જેટલી અસ્થિરતા છે એટલું એને દુઃખ છે. જ્ઞાનનીને સાધકદશામાં દુઃખ છે જ નહિ એવો એકાંત નથી. તેને મહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તે આસ્રવ છે, અને એટલું તેને દુઃખ છે, કેમકે આનંદની પૂર્ણ દશાનો ત્યાં અભાવ છે. મુનિદશામાં છઠ્ઠે ગુણસ્થાને પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ વગેરેનો જે શુભરાગ હોય છે તેટલું તેને દુઃખ છે. શુભરાગ આવે છે તે જ્ઞાનીને ભઠ્ઠી જેવો ભાસે છે. છહઢાલામાં છે ને કે-

“રાગ આગ દહૈ સદા, તાતૈં સમામૃત સેઈએ;”

અરે ભાઈ! જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ રાગ છે, તે આગ છે. સાતમે અપ્રમત્ત દશામાં જતાં અસ્થિરતાનો રાગ છૂટી જાય છે. અહો! આવી અલૌકિક દશા! ધન્ય એ મુનિદશા! શ્રીમદ્ એવી ભાવના ભાવે છે ને કે-

“એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ-સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.” -અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે?

અહા! આ શરીર મારું નથી, મારે ખપનું નથી. જંગલમાં વાઘ-સિંહ આવી ચઢે અને શરીર લઈ જાય તો ભલે લઈ જાય. મને જોઈતું નથી ને લઈ જાય છે એ તો મિત્રનું કામ કરે છે. અમે તો અંદર સ્વરૂપનું નિશ્ચલપણે ધ્યાન ધરી મોક્ષ સાધશું. અહા! આવી વીતરાગી સમતા મુનિવરને ઘુંટાય ત્યારે તે અંદર સ્થિર થઈ શ્રેણી ચડે છે અને ત્યારે આ (-જ્ઞાતાદ્રષ્ટાનો) સાક્ષાત્ અનુભવ હોય છે, તેને એકલા (નિર્ભેળ)