૧૩૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે. ત્યાં અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ હોય છે તેને અહીં ગણ્યો નથી. અહાહા....! શાંત-શાંત-શાંત આનંદના ધામમાં રમતાં રમતાં તે મોક્ષપદને સાધી લે છે. આવી અલૌકિક વાત છે!
‘હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું.’ (અહીં “ચેતવું” એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. “સં” ઉપસર્ગ લાગવાથી “સંચેતવું” એટલે “ એકાગ્રપણે અનુભવવું” એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.)
જુઓ, અહીં સમજવા જેવી વાત છે. ભગવાન આત્મા અંદર જ્ઞાન અને આનંદનો સાગર છે. તેને જેણે સ્વસન્મુખ થઈને જાણ્યો-અનુભવ્યો તેને જ્ઞાની કહેવામાં આવે છે. તે જ્ઞાની કહે છે કે-હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. જુઓ, મતિજ્ઞાનાવરણીય કર્મ હજુ છે, તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. પણ એ બધા વ્યવહારને છોડીને તેનાથી અધિક-ભિન્ન હું મારા શુદ્ધ ચૈતન્યને અનુભવું છું. એમ વાત છે.
કર્મ પ્રકૃતિના આઠ ભેદ છે. ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. મોહનીય, ૪. વેદનીય, પ. આયુ, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય. તેમાં જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓ છે. ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. મનઃપર્યયજ્ઞાનાવરણીય અને પ. કેવળજ્ઞાનાવરણીય. મુનિને પણ આ પ્રકૃતિઓ હોય છે. અહીં જ્ઞાની કહે છે કે-મતિજ્ઞાનાવરણીય કર્મનું ફળ જે મારા જ્ઞાનની હીણી દશા છે તેના ઉપર મારું લક્ષ નથી. મારું લક્ષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા ઉપર છે. તેથી હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, હું તેનાથી અધિક જે મારું જ્ઞાન (જ્ઞાનસ્વભાવ) તેને સંચેતું છું. અર્થાત્ તેને એકાગ્રપણે અનુભવું-વેદું છું.
મતિજ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત, અને જ્ઞાનની વર્તમાન હીણી દશા તે નૈમિત્તિક. આવો વ્યવહાર છે તે હેય છે. તેથી, જ્ઞાની કહે છે, તેને હું ભોગવતો નથી. ઝીણી વાત છે પ્રભુ! મતિજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ પડી છે, તેનો ઉદય પણ છે, અને તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે- તે હીણી દશા કર્મનું ફળ છે, તેને હું કેમ ભોગવું? હું તો ભિન્ન સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું તેને સંચેતું છું. હવે શરીર, વાણી, બૈરાં- છોકરાં, મહેલ-મકાન ને આબરૂ-આ બધા સંજોગો તો બહારની ચીજ છે.