તેને આત્મા ભોગવે (ભોગવી શકે) એ તો ક્યાંય ગયું, અહીં તો જ્ઞાની કહે છે- જ્ઞાનની વર્તમાન જે હીણી દશા તે કર્મનું ફળ છે, તેને હું ભોગવતો નથી, આવી વાત!
હવે અત્યારે તો જ્યાં હોય ત્યાં કર્મને લઈને વિકાર થાય એમ વાત હાલે છે. પણ ભાઈ! કર્મને લઈને વિકાર થાય એ વાત બરાબર નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. વિકાર પોતે કરે તો પોતાના કારણે થાય છે. વિકાર થવામાં હીણી દશાનું પરિણમન મારામાં મારાથી છે. અહીં જ્ઞાની કહે છે- તે હીણી દશા હું નથી, હું તેને ભોગવતો નથી. મારું લક્ષ હવે સ્વભાવથી જોડાયું છે, સ્વભાવ સન્મુખ થયું છે. રાગ અને હીણી-દશાના પડખાને છોડીને હવે હું સ્વભાવના પડખે ગયો છું. ભાઈ! જન્મ-મરણથી છૂટવાની આ એક જ રીત અને એક જ મારગ છે, ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વની - જ્ઞાયકતત્ત્વની દ્રષ્ટિ કરવી એ એક જ માર્ગ છે. પર્યાયની આમાં વાત જ નથી લીધી. જો કે ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ તે પર્યાય છે, પણ તેને પર્યાયનો આશ્રય નથી, ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય છે. આવી વાત! સમજાણું કાંઈ....?
અહા! ભગવાનને સર્વજ્ઞપદ પ્રગટયું તે ક્યાંથી પ્રગટયું? શું કર્મ ખસ્યાં ત્યાંથી એ પ્રગટયું? ના, બિલકુલ નહિ; તો શું અપૂર્ણદશા ગઈ ત્યાંથી પ્રગટયું? ના, બિલકુલ નહિ. અંદર સર્વજ્ઞપદ પડયું છે ત્યાંથી તે પ્રગટયું છે. ઝીણી વાત છે ભાઈ! પણ જ્ઞાનમાં પહેલાં આ નક્કી કરવું પડશે. વર્તમાન પર્યાયમાં ભલે પૂર્ણતા ન હોય, પણ પૂરણ આનંદથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે તેને, જ્ઞાની કહે છે, હું સંચેતું છું, એકાગ્રપણે અનુભવું છું. હવે આમાં જે અનુભવે છે તે પર્યાય છે, પણ તેને પર્યાયનો આશ્રય નથી, તેને આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ છે. હવે આવી વાત! બિચારા રાંકને અંદર પરમઋદ્ધિ પડી છે તેની ખબર ન મળે, પણ ધર્માત્મા કહે છે-હું કર્મફળને ભોગવતો નથી, હું તો ત્રિકાળી પરમ ઋદ્ધિસ્વરૂપ નિજ ચૈતન્યને જ અનુભવું છું. આવી વાત છે-૧.
હવે કહે છે- ‘હું શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું.’
જુઓ, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ છે; તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. આમ તે બેનો વ્યવહાર સબંધ છે, પણ ધર્મી કહે છે, મને તેનું લક્ષ નથી. અહાહા...! મારુ ધ્યેય તો ધ્રુવધામ પ્રભુ આત્મા છે, તેનું મને આલંબન છે. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સંચેતું છું-અનુભવું છું. હવે આવી વાત કોઈ દિ’ કાનેય ન પડી હોય એટલે નવી લાગે, પણ આ તો એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જેણે જાણ્યા તે કેવળીની વાણી છે ભાઈ! અહાહા...! શું એના ભાવ! --૨.