૧૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
હવે દર્શનાવરણીય નામનું જે એક કર્મ છે તેની પ્રકૃતિના નવ ભેદ છે તેની વાત કરે છેઃ-
‘હું ચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
ચક્ષુદર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે ચક્ષુદર્શનની પર્યાયની હીણી દશા-તેને હું ભોગવતો નથી. હું તો આનંદધામ-સુખધામ એવા ભગવાન આત્માને જ અનુભવું છું, ભગવાન આત્મામાં જ લીન છું. -૬.
‘હું અચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
આંખ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયોના નિમિત્તે અચક્ષુદર્શન ઉપયોગ થાય છે. તેની હીણી દશા અને અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય-તે તરફ, જ્ઞાની કહે છે, મારું લક્ષ નથી; તેને હું ભોગવતો નથી. હું તો ચૈતન્યમૂર્તિ નિજસ્વરૂપને જ વેદું છું. - ૭.
‘હું અવધિદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
ધર્મી જીવ કહે છે કે- મને અવધિજ્ઞાન નથી, અવધિદર્શન નથી. તો પણ અવધિદર્શનાવરણીય કર્મના ફળ તરફ મારું વલણ નથી, મારી દ્રષ્ટિ તો શુદ્ધ એક ચિદાનંદકંદ પ્રભુ આત્મા પર જ છે. અહા! આવા મારા નિજસ્વરૂપમાં અવધિદર્શન શું? અહાહા...! જેમાં બેહદ-બેહદ જ્ઞાન અને આનંદ ભર્યો છે એવું મારું સ્વરૂપ છે. અવધિદર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે હીણી દશા ભલે છે, પણ તે મને કાંઈ નથી, તેના પર મારું લક્ષ નથી.
અહાહા...! જેમાંથી કેવળદર્શન અને કેવળજ્ઞાનની પૂર્ણ દશા નીકળ્યા જ કરે એવો ચૈતન્યચમત્કારી પ્રભુ હું આત્મા છું. હું તેને જ અનુભવું છું. - ૮.
‘હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
પ્રકૃતિ પડી છે તેના નિમિત્તે હીણી દશા છે, પણ તેના વેદન પ્રત્યે મારું વલણ નથી. હું તો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું. તેના તરફનું મારે જોર છે ને તેને જ હું વેદું છું-૯.
‘હું નિદ્રાદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’