પ્રકૃતિની સત્તા હોય એવું નથી. પણ સામાન્ય વર્ણન કરે ત્યાં બધી પ્રકૃતિઓની વાત કરે. ક્ષાયિક સમકિતીને મિથ્યાત્વની ૩ પ્રકૃતિઓની સત્તા હોતી નથી; મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્મોહનીય-આ ત્રણ પ્રકૃતિ ક્ષાયિક સમકિતીને નથી, પણ બધા સમ્યગ્દ્રષ્ટિઓને હોતી નથી એમ નહિ. સમ્યગ્દ્રષ્ટિ હોવા છતાં આ ત્રણ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ સમ્યગ્દ્રષ્ટિનું લક્ષ-વલણ નથી. તેથી તે કહે છે- હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ સંચેતું છું.
આહારક નામકર્મની પ્રકૃતિનાં ચાર ભેદ આવે છે- આહારક શરીર નામકર્મ, આહારક અંગ-ઉપાંગ નામકર્મ, આહારક બંધ નામકર્મ આહારક સંઘાત નામકર્મ. આ પ્રકૃતિ બધાને ન હોય. આ પ્રકૃતિ મુનિને હોય છે. તેના ઉદયના ફળને જ્ઞાની ભોગવતા નથી.
એક તીર્થંકર નામકર્મની પ્રકૃતિ છે તે પણ બધાને ન હોય. મિથ્યાદ્રષ્ટિની તો અહીં વાત જ નથી. અહીં તો ક્ષણિક રાગાદિ ભાવથી ભિન્ન પડી ત્રિકાળી ચૈતન્યસ્વભાવનો આશ્રય લીધો છે તેની વાત છે. અહીં કહે છે- પ્રકૃતિના ઉદયના ફળને હું ભોગવતો નથી. ઉદયતો તેરમા ગુણસ્થાનમાં આવે છે, પણ પ્રકૃતિ સત્તામાં પડી છે તેના ફળ તરફ એનું લક્ષ નથી એમ વાત છે; ભવિષ્યમાં હું તિર્થંકર થવાનો છું એમ એનું લક્ષ નથી. શ્રેણીક રાજાનો જીવ તીર્થંકર થવાનો છે. ભગવાને કહ્યું છે એની ખબર છે. છતાં હું આવતી ચોવીશીમાં પહેલો તીર્થંકર થવાનો છું એમ એનું લક્ષ નથી. તે તો તીર્થંકર પ્રકૃતિના ફળને પણ વિષ-વૃક્ષનું ફળ જાણે છે. અહાહા...!
અહાહા...! સમ્યગ્દ્રષ્ટિને તીર્થંકર પ્રકૃતિ બંધાણી હોય તે કહે છે- હું કર્મની પ્રકૃતિના ફળને ભોગવતો નથી. મારું લક્ષ તો અંદર ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપમાં જોડાઈ ગયું છે; હું કર્મ પ્રકૃતિના ફળને ભોગવવાનો કામી નથી. અહો! સમ્યગ્દર્શન અને એનો વિષય શુદ્ધ ચિન્મય પ્રભુ મહા અલૌકિક ચીજ છે ભાઈ!
હવે કેટલાક લોકો દેવ-ગુરુ-શાસ્ત્રનાં વિનય-ભક્તિ તે શ્રદ્ધાન-સમ્યગ્દર્શન અને વ્રત, તપ આચરો તે ચારિત્ર-એમ માની બેઠા છે, પણ એ મારગ નથી ભાઈ! એ તો ભ્રમણા છે બાપુ! સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર તો આત્મસ્વરૂપ, આત્માની નિર્મળ પરિણતિસ્વરૂપ છે ભાઈ! આ સનાતન જૈનદર્શન છે બાપુ! અહીં ધર્મી સમ્યગ્દ્રષ્ટિ પુરુષ કહે છે- હું જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, હું તો જેમાં વિકાર નથી, અપૂર્ણતા નથી, પામરતા નથી એવો ત્રણ લોકનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું; હું તેને સંચેતું છું.’ અનુભવું છું. વર્તમાન જ્ઞાનની અધુરી દશા પર મારું લક્ષ નથી, હું પૂર્ણ વસ્તુને સંચેતું છું. આવી વાત! સમજાણું કાંઈ...! આ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓની વાત થઈ.-પ.