જુગુપ્સા-દુર્ગંછા નામની એક પ્રકૃતિ છે. તેને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. અહા! અંદર ભગવાન આત્મા સૌંદર્યધામ પ્રભુ છે, તેનો અનુભવ થયો ત્યાં દુર્ગંછા કેવી? અહા! શરીર કુષ્ઠરોગથી સડે ત્યાં પણ ધર્માત્મા પુરુષ દુર્ગંછા પામતા નથી; તે તો જાણનાર-દેખનાર એવા નિજ જ્ઞાયકસ્વરૂપને સંચેતે છે. આવી વાત!
‘હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૨.
‘હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૩.
‘હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૪.
જુઓ, અહીં સમકિતી ચારિત્રવંત પુરુષની વાત છે. કોઈ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ મારું વલણ નથી. વિષયવાસનાના ભાવને હું ભોગવતો નથી, અર્થાત્ હું તો પ્રચુર આનંદના ભોગવટામાં છું, તેમાં વેદ પ્રકૃતિનો ઉદય સમાતો નથી. કોઈ પ્રકૃતિ પડી હોય તેને વેદવા પ્રતિ મારું લક્ષ જ નથી; હું તો અંદર ભગવાન ચિદાનંદઘન પ્રભુ અંદર વિરાજે છે તેમાં જ લીન છું. મારા ધ્યાનનું ધ્યેય તો મારો ભગવાન આત્મા જ છે. હવે આવી વાત બહાર આવી એટલે કોઈ તો ખળભળી ઉઠયા. કોઈ વળી કહેવા લાગ્યા-
ઠીક, આ સોનગઢવાળાઓને તો આત્મા-આત્મા કીધા કરવું, ખાવું, પીવું ને લહેર કરવી- એટલે થઈ ગયો ધર્મ. અરે બાપુ! અહીં તું કહે છે એવા ભોગ ભોગવવાની વાત જ ક્યાં છે? અહીં તો અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ કરી સમ્યગ્દર્શન અને ધર્મ પ્રગટ કરવાની વાત છે. બાકી ઇન્દ્રના ભોગ પણ સમકિતીને તો કાળા નાગ જેવા લાગે છે. આવે છે ને કે-
કાગ વિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દ્રષ્ટિ લોગ.
અહીં તો બાપુ! ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની સ્વચ્છંદતાની વાત તો છે જ નહિ. ‘હું નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪પ.
‘હું તિર્યંચ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૬.