Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3593 of 4199

 

૧૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

અહા! ઘેર છ મહિનાના પરણેતરવાળો જુવાનજોધ દીકરો ગુજરી જાય, સોળ વર્ષની બાઈને વિધવા મૂકીને ચાલ્યો જાય તે વખતે જે અરતિના-નારાજગીના પરિણામ થાય તે મોહનીય કર્મનું ફળ છે. ધર્મી કહે છે-હું તે અરતિને ભોગવતો નથી. હું તો આનંદના નાથ એવા આત્માને જ વેદું છું. અહા! મારે વળી અરતિ કેવી? જેમ બરફની પાટ શીતળ-શીતળ હોય છે તેમ ભગવાન આત્મા અંદર અતીન્દ્રિય શાંતિની શિલા છે. તેના વેદનમાં જ્ઞાની અતીન્દ્રિય શાંતિ-આનંદને વેદે છે. સમકિતીને કિંચિત્ અરતિ ભાવ હોય છે, તેને તે દ્રષ્ટિની મુખ્યતામાં ગૌણ છે; જ્યારે અહીં તો મહા ચારિત્રવંત ધર્માત્માની વાત છે. અહા! આવા ધર્મી પુરુષ જે નિજસ્વભાવમાં લીનપણે વર્તે છે તેમને તો અરતિનો ભાવ જ નથી. હવે આવી વાત બિચારો બહારની ધમાલમાં-વ્રત, તપના વિકલ્પ-રાગમાં પડયો હોય તેને ગોઠે નહિ, પણ બાપુ! એ વ્રત, તપ આદિનો રાગ એ કાંઈ તારું ચૈતન્યપદ નથી, એનાથી (-રાગથી) કાંઈ તારું રક્ષણ નહિ થાય. ધર્મી પુરુષ, અહીં કહે છે, અરતિને ભોગવતો નથી, આત્મલીન જ છે, અને ત્યાં જ એની સુરક્ષા છે. સમજાણું કાંઈ....?

‘હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૯.

અહા! ઘેર કોઈ જુવાનજોધ દીકરાનું મરણ થાય તો એકદમ ઉદાસ-ઉદાસ એવું ગમગીન વાતાવરણ થઈ જાય. અરે ભાઈ! કોણ મરે ને કોણ જીવે? વસ્તુ ભગવાન આત્મા તો શાશ્વત, ધ્રુવ, અનાદિઅનંત છે. અહાહા...! ભગવાન આત્મા તો નિત્ય જાગતો ઊભો છે. બેનમાં (વચનામૃતમાં) આવે છે ને કે- “જાગતો જીવ ઊભો છે, તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” અહાહા...! શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા અંદર બિરાજે છે તેના સામું તો જો; તને જરૂર તે પ્રાપ્ત થશે જ. અરે! એને પરની લત-લગની લાગી છે, પણ પોતાની સામું કદી જોતો જ નથી! અહીં જે નિરંતર સ્વસન્મુખતા વડે શાંતિને ભોગવે છે તે કહે છે-હું શોકને ભોગવતો નથી, હું તો એક આત્મસ્વરૂપને જ વેદું છું. આવી વાત છે.

‘હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૦.

જુઓ, ભય નામની એક પ્રકૃતિ છે. તેના નિમિત્તે નૈમિત્તિક ભયની દશા થાય તેને, કહે છે, હું ભોગવતો નથી. હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંચેતું છું. અહાહા...! ધર્મી પુરુષ તો સદાય નિઃશંક અર્થાત્ નિર્ભય હોય છે. નિઃશંકતા - નિર્ભયતા એ તો સમકિતીનું અંગ છે; તેને કોઈ ભય હોતો નથી.

‘હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૧.